VIDEO: વડોદરા જિલ્લામાં આવેલા પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમને રાજ્ય સરકારને આડે હાથ લીધા હતા. તેમને જણાવ્યું કે, રાજ્યની ભાજપ સરકારની પાપે ગુજરાતમાં આવી વારંવાર ઘટનાઓ બને છે. ગુજરાતમાં ઘણા નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે. રિપેરિંગ માટે સોંપાયેલા બ્રિજ પણ તૂટી પડયા છે.
આજે સવારે વડોદરા જિલ્લાના પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજના વચ્ચેથી કટકા થઈ જવાની દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગંભીર ઘટનાઓ બને છે છતાં રાજ્ય સરકારના પેટનું પાણી નથી હલતું. ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ તે તપાસ થશે. આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મીંચામણા થતા રહે છે. તેમજ તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાય છે. આટલું ઓછું હોય તેમ સમારકામ માટેની માંગ બાદ પણ પગલાં નથી ભરવામાં આવતા. ગંભીરા બ્રિજની ગંભીર ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસની ઘટનાની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસની માંગ છે. તેમજ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના સિટીંગ જજની અધ્યક્ષતા વાળી સમિતિ આખા મુદ્દાની તપાસ કરે જેથી સત્યા સામે આવશે. ગુજરાતમાં નબળા બાંધકામના કારણે બનતી ઘટનાઓ માંથી નાગરિકોને બચાવી શકાશે.