
- હરતાં ફરતાં
શરદ ઋતુમાં મેક્સિકો શહેરની ઉત્તરે આવેલી પહાડીઓ શી રીતે રંગીન પતંગિયાઓની અદ્ભૂત ચાદર ઓઢી લે છે તેનો જવાબ મેળવવા વર્ષોથી વૈજ્ઞાાનિકો સંશોધન કરી રહ્યા છે, પણ હજુ સુધી જવાબ મળ્યો નથી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરદ ઋતુનો પ્રારંભ થાય ન થાય કે કરોડો પતંગિયાં અમેરિકા અને કેનેડાથી ઉડ્ડયન શરૂ કરે અને બે હજાર માઇલની યાત્રા ખેડીને ઠેઠ મેક્સિકોના મિકોઍકન સ્ટેટમાં પહોંચી જાય છે. અહીં અમેરિકા-કેનેડા કરતાં ઠંડી પ્રમાણમાં ઓછી હોય છે. શિયાળામાં પતંગિયાંનું તે ફેવરિટ અને એકમાત્ર ટુરિસ્ટ સ્પોટ છે. માર્ચમાં ઠંડી ઘટે એટલે પતંગિયાં પાછા વતન તરફ પ્રયાણ કરી જાય. તેજસ્વી કેસરી રંગની પાંખો અને તેમાં સફેદ છાંટણાવાળાં આ પતંગિયાંને મોનાર્ક બટરફલાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. સદીઓથી પેઢી-દર-પેઢી આ પતંગિયાં શી રીતે આટલી લાંબી મુસાફરી કરે છે તેનો અમેરિકામાં વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. ૨૫ યુનિવર્સિટીઓ અને ૧૦૦૦ શાળાઓેએ તેમાં ભાગ લીધો છે. લગભગ અઢી લાખ પતંગિયાંની એક પાંખ પર તેઓ મેક્સિકો તરફ ઊંડવાનું શરૂ કરે તે પહેલાં કાળજીપૂર્વક લેબલ ચોંટાડી દેવામાં આવ્યાં છે. બાલમંદિરનાં ભૂલકાઓનાં શર્ટ પર આઇડેન્ટિટી કાર્ડ પિનઅપ કરવામાં આવે છે તેમ. આ લેબલ લગાડેલાં પતંગિયાં ઘણા સવાલોના જવાબ આપી શકશે અવી ધારણા છે. અમેરિકા-કેનેડાથી મેક્સિકો સિટી પહોંચતા કરોડો પતંગિયાઓએ ભૂતકાળમાં કદી આ તરફ ભૂલેચૂકેય લટાર મારી નથી હોતી. છતાંય તેઓ શી રીતે કદી ભૂલાં પડયાં નથી? એક થિયરી અવી છે કે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ચુંબકિય ક્ષેત્ર તેમને ગાઇડ કરે છે. રસ્તામાં પતંગિયાં 'મિલ્ક-વીડ્સ' તરીકે ઓળખાતો ખાસ પ્રકારની વનસ્પતિનો ચારો લેતા રહે છે. મિલ્ક-વીડ્સમાં કુદરતી પેસ્ટિસાઇડ્સ હોય છે, જે પતંગિયાને દુશ્મનો સામે રક્ષણ પૂરું પાડે છે. વળી, તેમાં પુષ્કળ પ્રમાણમાં ચરબી હોય છે. શરીરમાં જમા થયેલી આ ચરબી મેક્સિકોના રહેવાસ દરમિયાન અને વતન પાછા ફરતી વખતે ઇંધણ તરીકે કામ આવે છે. શરીરમાં ચરબીરૂપે અકત્રિત થયેલી ઊર્જાની બચત થાય તે માટે પતંગિયાંનાં ઝુંડ હવાની દિશામાં ઊડવાનું પસંદ કરે છે. હવાની જ દિશામાં આગળ વધવાનું હોય અટલે પાંખો ફફડાવવાની મહેનત ન કરવી પડે.
અઁગ્ઝાયટિ ડિસઓર્ડર એટલે શું ?
તબીબી વિજ્ઞાાન કહે છે કે મગજમાંના ન્યુરોટ્રાન્સમિટરોમાં સંતુલનપણું ખોરવાઈ જવાથી એંગ્ઝાયટિ ડિસઓર્ડર પરિણમે છે. એને કારણે તમે નર્વસ રહો, માથું દુખે, અનિદ્રાની સમસ્યા લાગુ પડે, એકાગ્રતાનો અભાવ જણાય, શરીર થાકેલું લાગે અને ભવિષ્ય વિશે કાયમ ચિંતા રહ્યા કરે કેટલાક લોકોના હૃદયના ધબકારા ઝડપી બની જતા હોય છે ઍટલે તેમને હૃદયરોગનો ડર પણ સતાવવા લાગે છે. એંગ્ઝાયટિ ડિસઓર્ડરને ઓળખીને તેની સચોટ સારવાર કરાય તો એ ઝડપથી મટે છે. જા એમાં વિલંબ કરાય અથવા યોગ્ય સારવાર ન મળે તો આગળ જતાં હાઇપરટેન્શન થાય છે અને હૃદયરોગ પણ લાગુ પડી શકે છે. જેઓ એંઝાયટી ડિસઓર્ડરથી પીડાતા હોય છે તેઓ નાની અમથી બાબતો વિશે પણ મોટી ચિંતા કર્યાં કરે છે અને આખો દિવસ અસ્વસ્થ રહેતા હોય છે.
ચ્યૂઇંગ ગમને કાઢવાનો આમસ્ટરડામ સ્ટાઇલ ઇલાજ
લોકો ચ્યુઇંગ ગમને પૂરતી ચાવી લીધા બાદ તેને થૂંકીને તેનાથી છૂટી જતા હોય છે, પરંતુ વાત ત્યાં નથી પતી જતી. થૂંકાયેલી ચ્યુઇંગ ગમ સુધરાઈ માટે માથાનો દુખાવો બની જાય છે. જેમ કે આમ્સ્ટરડામમાં લોકો ચ્યુઇંગ ગમ બહુ ખાય છે. પછી જ્યા ત્યાં થૂંકે છે. પછી રસ્તાઓ પરથી ઝાડુ કાઢયા બાદ પણ ચ્યુઇંગ ગમ તો રસ્તા પર જ ચોંટી રહે છે. આ સમસ્યાનો ઇલાજ કરવા માટે આમસ્ટરડામના સુધરાઇવાળાઓએ એક વિશિષ્ટ કેમિકલ ટેક્નોલોજીનો આશરો લીધો છે. તેઓ એક ખાસ પ્રકારનું રસાયણ અને વરાળ ભેગાં કરીને રસ્તાઓ પર છાંટે છે જેને કારણે ચ્યુઇંગ ગમ પથ્થર જેવી નિર્લેપ થઈ જાય છે. પછી તેને વાળવાનું કામ આસાન થઈ રહે છે. ચ્યુઇંગ ગમને નિર્લેપ બનાવવા માટેનો છંટકાવ કરતી ખાસ વેન પણ આ સુધરાઇએ વસાવી છે. એ વેનને ગમ બસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.
દરેક ધર્મના ગ્રંથોને માનપૂર્વક સાચવવાનું ખાસ મહત્ત્વ
દરેક ધર્મના ગ્રંથોને બહુ માનપૂર્વક રાખવામાં આવે છે. શીખો તેમના ધર્મગ્રંથ ઉપર આખું મંદિર ચણાવે છે. ભાગવતની પૂજા થાય છે. ઘણી વખત રામાયણની પોથીઓ માટે ખાસ હાથી બોલાવાતા હતા. ભરતપુરના મહારાજા કૃષ્ણની મૂર્તિ અને ગીતાના ગ્રંથ માટે વિમાનમાં ખાસ અલગ ટિકિટ બુક કરાવતા હતા. ભરતપુરના મહારાજાએ એક વખત વિમાનમાં ગીતાના ગ્રંથ અને કૃષ્ણ સાથે અલગ ટિકિટ બુક કરાવી અને પછી ઉતારુની ગણતરી કરતાં એક ઉતારુ ઓછો જણાતા ઍરપોર્ટ ઉપર માઇક્રોફોનમાં મોટી હાક પડતી હતી કે 'મિસ્ટર કૃષ્ણા, પ્લીઝ કમ ફોર ચેક-ઇન'! (કૃષ્ણ નામના ઉતારુ મહેરબાની કરીને વિમાનમાં ચઢવા પધારે.) જગતના મુસ્લિમો માટે કુરાનનો ગ્રંથ અતિપવિત્ર છે. ઘણા મુસ્લિમો કુરાનને અમુક સ્થિતિમાં જ રાખે છે. કુરાન માટેની પેટીમાં હંમેશાં કુરાનનો ગ્રંથ બંધ હોવો જોઇએ. કુરાનનો બાંધેલો ભાગ (તેની પીઠ) જમણી બાજુ જ રહેવો જાઇએ. ઇંગ્લેન્ડના એક નિષ્ણાતે ધનિક મુસ્લિમો કુરાનના ગ્રંથને માનભેર સાચવી શકે તે માટે એક સોનાની ગુંબજવાળી પેટી બનાવી હતી તેની કાચની દીવાલો હતી. સોનાના ગુંબજ અને કાચની દીવાલવાળી આ કુરાન-પેટી શું કામ બનાવી? આવા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, 'એક આરબ શેખ તેનો કુરાનનો ગ્રંથ લાકડાની મોટી પેટીમાં રાખતો હતો. કોઈ ચોરે તેને મોટો ખજાનો સમજીને તેની ચોરી કરી. એ પછી પેટીમાંથી કંઈ ન નીકળ્યું અને કુરાન નીકળ્યું ત્યારે ચોર બહુ જ પસ્તાયો અને આત્મહત્યા કરી. ભલે મુસ્લિમ ચોર હોય પણ તે કુરાનની ચોરી કરતો નથી. જો તેને ખબર હોત કે પેટીમાં કુરાન છે તો તે ચોરી ન કરત.
ફક્ત જાનવરોનાં જ કેસ લડતા નોખા વકીલ
માઇકલ રોટ્સ્ટન સારું કમાય છે. સુખી છે. એડવોકેટ માઇકલની જિંદગી આમ તો બીજી બધી રીતે નોર્મલ છે. પણ તેમના અસીલ ઍબ્નોર્મલ છે. માઇકલના અસીલો ચોપગાં છે. કેલિફોર્નિયાનાં જાનવરોને કોઈ અન્યાય કરે ત્યારે ઍડવોકેટ માઇકલ કોર્ટે ચડે છે. માઇકલ પોતે પણ ભારે જાનવરપ્રેમી છે. એક વાર તે પોતાના કૂતરા માટે બજારમાંથી ખાવાનું લાવ્યા. તેમાં સાલ્મોનેલા (ઝેરી જીવાણુ) હતા. માઇકલને ગુસ્સો આવ્યો. તેમણે દુકાનદાર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેમને બહુ સારું વળતર મળ્યું. ત્યારથી માઇકલને જાનવરોના કેસમાં જ રસ પડે છે.
- વિક્રમ વકીલ