
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 28 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહલગામની બૈસારન ઘાટીમાં કરવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ બનાવ્યા.
ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા કર્યા રદ
- પહેલગામ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના અનુસંધાનમાં, ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
- ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ 2025 થી રદ કરવામાં આવ્યા છે.
- પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે.
- હાલમાં ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ તેમના સુધારેલા વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં ભારત છોડવું પડશે.
- ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપવામાં આવે છે. હાલમાં પાકિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને પણ શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે.
પહેલગામ હુમલા પછી પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી એક પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ હુમલામાં 26 લોકોના મોત થયા છે, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.
સીસીએસની બેઠકમાં આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા
- સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવામાં આવી છે.
- પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે.
- પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે.
- અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.