જૂનાગઢઃ આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન શરૂ થઈ ગયું છે. માલીડા (86) અને નવા વાઘણીયા (111) ગામમાં ફરી મતદાન શરૂ થયું છે. માલીડા અને નવા વાઘણીયામાં મતદાતાઓ ફરી મતદાન કરવા માટે પહોંચ્યા છે. નવા વાઘણીયામાં 293માંથી 210 લોકોએ મતદાન કર્યું હતું. 19 જૂનના માલીડા ગામમાં 628માંથી 411 લોકોએ મતદાન કર્યું હતું.
બુથ કેપ્ચરિંગની થઈ હતી ફરિયાદ
આપ પાર્ટી દ્વારા આ બંને ગામમાં બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયું હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાન યોજવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈ આજે સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદારો ફરી મતદાન કરાશે. ઉલ્લેખનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.
વિસાવદરના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર ફરી મતદાનની ઘટના
નવા વાઘણીયા ગામે બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનનો પ્રયાસ થયો હતો. પ્રિસાઇડિંગ ઓફિસરોએ સમગ્ર મામલે આર.ઓ.ને રિપોર્ટ કર્યો હતો. ચૂંટણી અધિકારીએ ચૂંટણી કમિશનનું માર્ગદર્શન માંગ્યું હતું. જેમાં ચૂંટણી કમિશને ફેર મતદાનની મંજૂરી આપી હતી. સવારે 7 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થશે.