
Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત વી એસ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ મુદ્દે વિવાદમાં સપડાયેલી રહે છે. ત્યારે હવે હોસ્પિટલમાં ચાલતું ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. AMC દ્વારા સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં કિલીનિકલ રીસર્ચમાં ગેરરીતિ અને નાણાંકીય અનિયમિતતા મામલે એસોસિએટ પ્રોફેસર ડોકટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા છે. 8 જેટલા કોન્ટ્રાકટ ઉપરના તબીબોને છૂટા કરાયા છે. તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી કરાશે. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ રજૂ કરેલા વચગાળાના અહેવાલને પગલે આ નિર્ણય લેવાયો છે.
હોસ્પિટલને મળવા પાત્ર કરોડોની રકમ ડોક્ટરના ખિસ્સામાં ગઈ
અત્યાર સુધીમાં વિદેશી ફાર્માસ્યુટીકલ કંપનીઓ સહિત 58 જેટલી કંપનીઓએ તેમના દવાની ટ્રાયલ ટેસ્ટ વી.એસ. હોસ્પિટલમાં કરાવ્યો હતો. નિયમ પ્રમાણે જે સંસ્થામાં આ ક્લિનિકલ ટ્રાયલ થાય તે સંસ્થાને કુલ આવકના 40થી 50 ટકા જેટલી રકમ વી.એસ. હોસ્પિટલને મળવી જોઇએ. પરંતુ ડોક્ટરોએ એક અંદાજ પ્રમાણે 17 કરોડથી વધારેની રકમ પોતાના ખીસ્સામાં સેરવી લીધી અને વી.એસ.ને એક રૂપિયો પણ ન આપ્યો.
500 જેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયું હતું
આ બાબત અંગે તપાસ કરી રહેલ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં 500 જેટલા દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયાનું પ્રથમ દ્રષ્ટ્રીએ બહાર આવ્યું છે. તેમજ આ તમામ દર્દીઓની સહમતી લેવામાં આવી હોવાના ડોક્યુમેન્ટ પણ કમિટિ સમક્ષ રજુ થયા હતા. મ્યુનિ. દ્વારા અત્યારે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહિત 10 જેટલા ડોક્ટરો સામે હાલના તબક્કે વિસ્તૃત તપાસ હાથ ધરાઇ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વધારે કેટલાક લોકો સામે આ બાબતે તપાસ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
વી એસ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની દવાની ટ્રાય કરવામાં આવી જેમાં વિદેશી કંપનીની દવાનો પણ સમાવેશ થાય છે. વી.એસ. હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં તાવની દવા, વેક્સીન, રુમોટોલોજીની દવાઓ, આર્થરાઇટીસની દવા સહિત અન્ય દવાઓના પરીક્ષણ થયા છે.
ચાર વર્ષથી કૌભાંડ ચાલતું હતું તો કોઈના ધ્યાને તેમ ન આવ્યું?
ભાજપના જ હાલના ટીપી કમિટીના ચેરમેન અને તે સમયના વીએસ બોર્ડના સભ્ય દ્વારા આ બાબતના કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે વીએસ બોર્ડને પત્ર પણ લખાયો હતો. જો કે, તે સમયે ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા આ બાબત દબાવી દેવામાં આવી હતી તો આ બાબત અંગે તપાસ થશે.?
અત્યાર સુધી ૫૭ થી ૫૮ દવાના ટ્રાયલ કરવામાં આવ્યા છે. ૨૦૨૧થી આ દવાની ટ્રાયલ ચાલી રહી છે. સ્કિન, તાવ, સહિતની દવાનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આશરે ૫૦૦ જેટલા દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર, બી સી પરમારે જણાવ્યું કે, કમિટીની રચના કરી હતી તપાસ માટે તેમના દ્વારા તપાસ કરી પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો, જેમાં જેની જવાબદારી હતી તેને સસ્પેન્ડ કર્યા નિવૃત સુપ્રિટેન્ડેન્ટની ખાતાકીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં તપાસ અધૂરી છે. આગામી કાર્યવાહી માટે આદેશ આપ્યા છે.