
Waqf Amendment Bill: લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 રજૂ થયું છે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે અને રાત સુધીમાં નિર્ણય આવી જશે. સરકારે આ બિલને અગાઉ 8 ઓગસ્ટ-2024ના રોજ રજૂ કર્યું હતું. તે વખતે દેશમાં રેલવે બાદ સૌથી વધુ 8.70 લાખ સંપત્તિ વક્ફ પાસે હોવાનો દાવો કરાયો હતો. આ દરમિયાન વક્ફ પાસે કયા રાજ્યોમાં કેટલી સંપત્તિ છે, તેની પણ માહિતી સામે આવી હતી.
ભારતમાં સૌથી વધુ જમીન મામલે વક્ફ ત્રીજા નંબરે
વક્ફ બોર્ડ પાસે વર્તમાનમાં 9.40 લાખ એકર જમીનમાં ફેલાયેલી 8.70 લાખ પ્રોપર્ટી છે. તેની અંદાજીત કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા છે. વક્ફ બોર્ડની વિશ્વમાં સૌથી વધુ જમીન ભારતમાં છે. સશસ્ત્ર દળ અને ભારતીય રેલવે બાદ વક્ફ પાસે સૌથી વધુ જમીન છે.
આટલી બધી જમીન છતાં આવક નહીં
વક્ફ બોર્ડની 8.70 લાખ મિલકતોમાંથી 356,051 વકફ એસ્ટેટ તરીકે નોંધાયેલી છે. જેમાં 872,328 સ્થાવર મિલકતો અને 16,713 જંગમ મિલકતો છે. આટલા મોટા પાયે જમીન હોવા છતાં બોર્ડને કોઈ આવક થતી નથી.
વાર્ષિક 12,000 કરોડની કમાણી
સચ્ચર સમિતિએ વર્ષ 2006માં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, જો વક્ફની સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી ઓછામાં ઓછા 10 ટકા આવક મળી શકે છે, જે વાર્ષિક લગભગ 12000 કરોડ રૂપિયા છે.
UPAએ વક્ફ કાયદામાં 1995માં સુધારો કર્યો હતો
વકફ બોર્ડ લગભગ 9,40,000 એકરમાં ફેલાયેલી 8,70,000 સંપત્તિઓની દેખરેખ કરે છે. વર્ષ 2013માં યુપીએ સરકારે મૂળ વકફ કાયદા 1995માં સુધારો કરીને વકફના અધિકારોને મજબૂત કર્યા હતા. આ સુધારો ઔકાફને રેગ્યુલેટ કરવા માટે લાગુ કરાયો હતો.
વક્ફ પાસે સૌથી વધુ જમીન ઉત્તર પ્રદેશમાં
2024ના રિપોર્ટ મુજબ વક્ફની કુલ સંપત્તિમાંથી સૌથી વધુ 27 ટકા જમીન ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં 9 ટકા જમીનો વક્ફની છે. તમિલનાડુમાં 8 ટકા, કેરળ, તેલંગાણા અને ગુજરાતમાં પાંચ ટકા જમીનો છે. કર્ણાટકમાં વક્ફની 7 ટકા જમીન છે.
વક્ફ શું છે?
વક્ફ અરબી શબ્દ વકુફા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે રહેવું. વક્ફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે ખાસ સમર્પિત મિલકતોનો ઉલ્લેખ કરે છે. એક વકીફ દ્વારા દાન કરાયેલી અને વકફ તરીકે નામિત સંપત્તિને ઔકાફ કહેવામાં આવે છે. વકીફ તે વ્યક્તિને કહેવામાં આવે છે કે જે મુસ્લિમ કાયદા દ્વારા પવિત્ર, ધાર્મિક કે ધર્માર્થ સ્વરુપે માન્યતા પ્રાપ્ત ઉદ્દેશ્યો માટે સંપત્તિ સમર્પિત કરે છે. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વક્ફ એ મિલકત છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. તે જંગમ અને સ્થાવર બંને હોઈ શકે છે. કહેવાય છે કે, આ દાનમાં આપવામાં આવેલી સંપત્તિ માલિક તરફથી ખુદાને સોંપવામાં આવે છે, ત્યારથી તે સ્થાન અપરિવર્તનીય બને છે.
જો વક્ફ બોર્ડ કોઈ જમીન પર દાવો કરે તો...
વક્ફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા છે. વકફ મિલકતોને વિશેષ દરજ્જો મળે છે. આ દરજ્જો કોઈપણ વિશ્વાસથી ઉપર છે. બોર્ડ કોઈપણ મિલકતની તપાસ કરી શકે છે. એકવાર બોર્ડ મિલકત પર પોતાનો દાવો કરે પછી તેને ઉલટાવવો મુશ્કેલ છે. વક્ફ એક્ટની કલમ 85 ખૂબ જ શક્તિશાળી છે. બોર્ડના નિર્ણયને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં.
વક્ફ પાસે કેટલી મિલકત છે?
સેના અને રેલ્વે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ મિલકતો છે. વક્ફ પાસે 8.70 લાખ મિલકતો છે. વક્ફ દેશમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન માલિક છે. બોર્ડથી સૌથી વધુ મિલકત ઉત્તર પ્રદેશમાં છે. ભારતમાં બે પ્રકારના વક્ફ બોર્ડ છે, એક સુન્ની અને બીજા શિયા વક્ફ બોર્ડ... સુન્ની વક્ફ પાસે 2.10 લાખથી વધુ અને શિયા પાસે 15 હજારથી વધુ મિલકતો છે. વર્તમાન સમયમાં દેશમાં 32 વક્ફ બોર્ડ છે, જોકે ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, દમણ અને દીવમાં વકફ નથી.
વક્ફ પાસે કયા રાજ્યમાં કેટલી સંપત્તિ છે?
ઉત્તર પ્રદેશ - 2.32 લાખથી વધુ સંપત્તિ
પશ્ચિમ બંગાળ - 80,000થી વધુ સંપત્તિ
પંજાબ - 70,000થી વધુ સંપત્તિ
તમિલનાડુ - 65,000થી વધુ સંપત્તિ
કર્ણાટક - 61,000થી વધુ સંપત્તિ
કેરળ - 52,000થી વધુ સંપત્તિ
તેલંગાણા - 43,000થી વધુ સંપત્તિ
ગુજરાત - 39,000થી વધુ સંપત્તિ
મધ્યપ્રદેશ - 33,000થી વધુ સંપત્તિ
જમ્મુ-કાશ્મીર - 32,000થી વધુ સંપત્તિ
બિહાર - 8,000થી વધુ સંપત્તિ
દિલ્હી - 1,000થી વધુ સંપત્તિ