
લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 (Waqf Amendment Bill LIVE Updates) રજૂ થયું હતું. આ બિલ પર વોટિંગથી લોકસભામાં પાસ થયું છે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો. વક્ફ સંશોધન બિલ 2025 રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે. ગઈકાલે ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું હતું.
વકફ સંશોધન બિલના સમર્થનમાં 288 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 232 વોટ પડ્યા હતા.
JPC એક કપટ, પ્લાનિંગ સાથે બિલ લવાયું : AIMPLB
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરીએ કહ્યું છે કે વકફ એક્ટમાં સુધારાનો મુદ્દો પણ JPC પાસે ગયો હતો. જેપીસીએ પોતાનો રિપોર્ટ દાખલ કર્યો. એવું કહેવાય છે કે 5 કરોડ ઈ-મેલ તેની વિરુદ્ધમાં મળ્યા છે. અમારા મતે, આ બિલ હવે વધુ વાંધાજનક બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ પ્લાનિંગ સાથે લાવવામાં આવ્યું છે. અમે ઉઠાવેલા કોઈપણ વાંધાને સ્વીકારવામાં આવ્યા ન હતા. વકફનું સંચાલન હવે મુસ્લિમોના હાથમાંથી છીનવીને સરકારને સોંપવામાં આવ્યું છે. જેપીસી માત્ર એક કપટ હતું અને અમારી સાથે દગો કરાયો છે. લો બોર્ડના પ્રવક્તા ઇલ્યાસે જણાવ્યું હતું કે જો આ બિલ પસાર થશે તો દેશવ્યાપી આંદોલન છંછેડીશું.
વક્ફ મિલકત મુસ્લિમ સમુદાયનું કરોડરજ્જુ : કલ્યાણ બેનર્જી
ટીએમસી સંસદીય દળના નેતા કલ્યાણ બેનર્જીએ વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે વક્ફ બિલ બંધારણની વિરુદ્ધ છે, તે બંધારણીય માળખા પર હુમલો છે અને અમે આ બિલનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ભાજપ વકફ પર રાજકારણ કરી રહ્યો છે. વકફ મિલકત મુસ્લિમ સમુદાયનું કરોડરજ્જુ છે. વકફ સુધારા બિલમાં કરવામાં આવી રહેલા ફેરફારો ઇસ્લામિક પરંપરાઓ અને સંસ્કૃતિ અંગે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે વકફ એક્ટ 1995નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ એક્ટ ઇસ્લામિક કાયદા અનુસાર બનાવવામાં આવ્યો હતો. હવે નવા બિલ દ્વારા આ મુસ્લિમોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે ગેરબંધારણીય છે. કલ્યાણ બેનર્જીએ દરેક કલમનો ઉલ્લેખ કર્યો અને એ પણ સમજાવ્યું કે તે બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કેવી રીતે હતું. હું પણ હિન્દુ છું. હું મંદિરમાં દાન આપીશ, હું બૌદ્ધ મઠમાં દાન આપીશ, હું મસ્જિદમાં દાન આપીશ, હું ચર્ચમાં દાન આપીશ. તમે કોઈને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો? તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમોના અધિકારો પર કાપ મૂકવા માટે લાવવામાં આવ્યું છે. કલ્યાણ બેનર્જીએ લાગણીઓ ન ભડકાવવાની અપીલ કરી અને કહ્યું કે જો તમારે યુદ્ધ જ કરવું છે તો ગરીબી સામે કરો.
વક્ફ બિલ મુસ્લિમો માટે અને સરકાર એમની જ નથી સાંભળતી : અખિલેશ યાદવ
અખિલેશ યાદવે વક્ફ બિલ મુદ્દે ચર્ચા વખતે તેમના સંબોધનમાં કહ્યું કે વક્ફ બિલ મુસ્લિમો માટે છે અને મોદી સરકાર એમની જ નથી સાંભળતી. ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે. નોટબંધી નિષ્ફળ ગઈ અને સરકાર એના પર ચર્ચા કરતી નથી. રાતોરાત નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. ભાજપ કોઈ પણ નવી બિલ લાવીને તેની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તે મહાકુંભમાં માર્યા ગયેલા કે ખોવાયેલા લોકોના મોત પર પરદો પડી જાય એટલા માટે આ બિલ ભાજપ લાવ્યો છે.
વક્ફની જમીન લોકોના કામમાં આવે
રવિશંકરે કહ્યું કે, વક્ફની જમીન લોકોના કામમાં આવે, દેશના ખ્રિસ્તીઓએ પણ વક્ફ સુધારા બિલ 2025ને સમર્થન આપ્યું છે. કેરળમાં મોટી સંખ્યામાં તેઓ અમારા સમર્થનમાં આવ્યા છે.
આ બિલ ક્યાંયથી પણ ગેરબંધારણીય નથી
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે, આ વક્ફ બિલ ક્યાંયથી પણ ગેરબંધારણીય નથી. બંધારણની ધારા 15માં આ મુદ્દે જોગવાઈ છે. ધારા 25માં પણ તેનો ઉલ્લેખ છે. તેની સાથે ધારા 2 પણ વાંચી લેવી જોઈએ. જો વક્ફની જમીન બરબાદ થઈ રહી હોય, લૂંટાઈ રહી હોય, હડપાઈ રહી હોય, તો બંધારણની ધારા 25 નવો કાયદો બનવવાનો અધિકાર આપે છે.
અમે લઘુમતી માટે અગાઉ બે સુધારા કર્યા, તેને સમર્થન આપ્યું
સુપ્રીમ કોર્ટમાં જ્યારે તીન તલાકની સુનાવણી ચાલી રહી હતી. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉએ તીન તલાક વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો. કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ થઈ ત્યારે બધા એક જ હતા. ત્યારે પણ દેશ તૂટી જશે, આગ લાગી જશે, આજે આર્ટિકલ 370 સમાપ્ત થઈ અને કાશ્મીરનો વિકાસ થયો. તમે એક બાજુ સુધારા કરવા માગો છો, પરંતુ બીજી બાજુ સુધારો ઈચ્છતા પણ નથી. આમ કેમ ચાલશે.
વક્ફની પ્રોપર્ટીનો ઉપયોગ શું કર્યોઃ ભાજપનો જવાબ
ભાજપના રવિશંકર પ્રસાદે ગોગોઈને જવાબ આપ્યો હતો કે, આજે દેશમાં 8 લાખ પ્રોપર્ટી વક્ફ બોર્ડ પાસે છે. જેમાંથી કેટલી જમીનનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થયો. કેટલી મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવાઈ, કેટલી શાળાઓ બની. વિપક્ષ અંદર ખાને સુધારાને મંજૂરી આપે છે. પરંતુ તેઓ વર્ષો જૂની ટેવ પ્રમાણે તેનો વિરોધ કરી રહ્યા છે.
આ બિલ આપણા દેશના અખંડિતતા અને શાંતિના મૂલ્યોને નુકસાન કરનારૂ
ગોગોઈએ સરકાર પર આક્ષેપો કરતાં કહ્યું કે, જે જેપીસીની આ લોકો વાત કરી રહ્યાં છે. તેમાં ક્યારેય તેમણે વિપક્ષનો પક્ષ સાંભળ્યો જ નથી. વિપક્ષના સુધારાને ધ્યાનમાં લીધા જ નથી. આ બિલ દેશની એકતા, અખંડિતતા અને શાંતિના મૂલ્યોને ઠેસ પહોંચાડનારું છે.
અમે સુધારાના વિરોધમાં નથી
ગોગોઈએ આગળ કહ્યું કે, દેશમાં લઘુમતીઓની એવી હાલત થઈ છે કે, સરકારે ધર્મનું સર્ટિફિકેટ આપવુ પડ્યું છે. સાત હજાર વર્ષથી જૂનો સનાતન અને તેનાથી પણ જૂનો આપણો આ દેશ તમામ ધર્મોનું સન્માન કરે છે. અમે વક્ફ બિલમાં સુધારાના વિરોધમાં નથી. પણ તમે એવા સુધારા કરો જેનાથી સાચે સમાજનું કલ્યાણ થાય. તમે એવી એવી કલમો રદ કરી છે, જેનાથી સમાજમાં ભાગલા પડશે. ભાઈચારાની ભાવના ગુમાવી બેસીશું.
યુપીએ સરકાર પર જે આરોપો લગાવાયા, તે ગેરમાર્ગે દોરનારાઃ ગૌરવ ગોગોઈ
લોકસભામાં કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ 2025 રજૂ કર્યા બાદ વિપક્ષ નેતા ગૌરવ ગોગોઈએ આરોપ મૂક્યો છે કે, લઘુમતી બાબતોના મંત્રીએ યુપીએ સરકારને ટાર્ગેટ કરી વક્ફ બિલ મુદ્દે જે વાતો કહી છે, તે સંપૂર્ણપણે ખોટી છે. અમે માગ કરીએ છીએ, તેને સાબિત કરો. આ બિલને બંધારણના મૂળ ઢાંચા પર આક્રમણ સમાન છે. તેઓની નજર એક સમાજની જમીન પર છે. કાલે તે બીજા સમાજની જમીન પર નજર કરશે. તેમનો ઉદ્દેશ લોકોને ગેરમાર્ગે દોરવાનો અને સમાજમાં ભાગલા પાડવાનું છે. તમે પોતાને લઘુમતીના હિતેચ્છી ગણાવી રહ્યા છો, તમે એ જણાવો કે, તમારા કેટલા સાંસદ લઘુમતી છે.
વક્ફ બિલની 40મી કલમ રદ
વક્ફ બિલની સેક્શન 40 હેઠળ વક્ફ બોર્ડ કોઈપણ પ્રોપર્ટીને વક્ફ પ્રોપર્ટી જાહેર કરતું હતું. જેને અમે રદ કરી છે. કોઈની પણ જમીન કે, સંપત્તિને છીનવીને તેને વક્ફ પ્રોપર્ટી જાહેર કરવી અયોગ્ય છે. કેરળમાં 600 ખ્રિસ્તી પરિવારની સંપતિને વક્ફ પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી. સેક્શન 40નો વક્ફ બોર્ડ દુરૂપયોગ કરી રહ્યો હોવાથી અમે તેને રદ કરી છે.
મુસ્લિમો વક્ફ સંશોધન બિલના સમર્થનમાં
કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ મુદ્દે જણાવ્યું કે, દેશના મુસ્લિમો બિલના સમર્થનમાં છે. વક્ફ સંશોધન બિલને યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, ઈફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1995 બનાવવાની જોગવાઈ છે. જેમાં વક્ફ પ્રોપર્ટીનું સંચાલન ધર્મ આધારિત ન રહે.
વિશ્વની સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં
કિરેન રિજિજુએ આગળ જણાવ્યું કે, વિશ્વની સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે. તો પણ દેશના મુસ્લિમો ગરીબ કેમ છે. ગરીબ મુસલમાનોના શિક્ષણ, ઉત્થાન અને વિકાસ માટે કેમ કાર્યો થયા નથી. અમે આ બિલ દ્વારા ગરીબ મુસ્લિમોને સધ્ધર બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં આટલી બધી પ્રોપર્ટીને વેડફી ન શકાય. તેનો ઉપયોગ ગરીબ મુસ્લિમો માટે કરવો જરૂરી છે. આથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. દેશમાં 8.72 લાખ વક્ફ પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીનો આપણે ગરીબ મુસ્લિમો માટે ઉપયોગ કરીશું, તો દેશની સ્થિતિ જ બદલાઈ જશે.
AAPએ પણ જારી કર્યુ વ્હિપ
લોકસભામાં વક્ફ બિલ 2025ની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદોને 2 એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન હાજર રહેવાનું ફરમાન કરતું વ્હિપ જાહેર કર્યું છે.
વક્ફ બિલમાં ધાર્મિક વ્યવસ્થાના હસ્તક્ષેપની જોગવાઈ જ નથીઃ રિજિજુ
કિરેન રિજિજુએ જણાવ્યું કે, વક્ફ સંશોધન બિલમાં કોઈપણ ધાર્મિક વ્યવસ્થાના હસ્તક્ષેપની જોગવાઈ જ નથી. અમે કોઈપણ મસ્જિદના સંચાલનમાં હસ્તક્ષેપ કરવા જઈ રહ્યા નથી. આ એક સંપત્તિના મેનેજમેન્ટ સાથે જોડાયેલો વિષય છે. કોઈ મુસ્લિમ જકાત આપે છે તો, તેને પૂછનારા અમે કોણ. અમે તો માત્ર તેના મેનેજમેન્ટની જ વાત કરીએ છીએ.
જો સુધારો ન લાવ્યા હોત તો આ સંસદ ભવન પણ વક્ફ પ્રોપર્ટી હોતઃ રિજિજુ
કિરેન રિજિજુએ કહ્યું કે 2013માં દિલ્હી વક્ફ બોર્ડે પણ સંસદ ભવનને વકફ પ્રોપર્ટી જાહેર કર્યું હતું. યુપીએ સરકારે પણ તેને ડીનોટિફાઈડ કર્યું હતું. જો નરેન્દ્ર મોદીજીની સરકાર ન હોત, જો અમે સુધારો ન લાવ્યા હોત તો આપણે જ્યાં બેઠા છીએ તે જગ્યા પણ વક્ફ મિલકત હોત. જો યુપીએ સત્તામાં હોત તો તેમણે અનેક મિલકતો ડીનોટિફાઈ કરી હોત. હું મારા મનથી કંઈ બોલતો નથી. આ બધું ડેટા અને ઘટનાઓ કહે છે. કિરેન રિજિજુના આ નિવેદન પર વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે. વિપક્ષના હોબાળા પર કિરેન રિજિજુએ કહ્યું કે તર્ક વિના હોબાળો કરવો યોગ્ય નથી. સ્પીકરે કહ્યું કે તમારો વારો આવશે ત્યારે તમે તમારા મંતવ્યો રજૂ કરશો.
સુધારા બિલ લાવવાની જરૂર કેમ પડી
કિરેન રિજિજુએ જણાવ્યું કે, 2014માં અમે સરકારમાં આવ્યા, તે પહેલાં 2013માં એવા પગલાં લેવામાં આવ્યા હતા, તેના લીધે સુધારા બિલ લાવવાની જરૂર પડી. 2013માં ફેરફાર કરવામાં આવ્યો કે, આ દેશનો કોઈપણ વ્યક્તિ (જુદા-જુદા ધર્મ) વક્ફ કરી શકે તેની મંજૂરી યુપીએ સરકારે આપ્યો. બાદમાં શિયા બોર્ડમાં શિયાના લોકો સુન્નીના લોકો સુન્ની બોર્ડમાં જ રહેવાની જોગવાઈ ઘડાઈ. વક્ફ બોર્ડ દેશના કોઈપણ કાયદા કરતાં ઉપર રાખવાની જોગવાઈ બનાવાઈ.
આ બિલના સુધારાઓને જોતાં વિરોધીઓ પણ સમર્થન કરશે
કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ 2025 રજૂ કરતાં ખાતરી આપી હતી કે, આ બિલ જેમ જેમ વંચાશે અને તેના સુધારાઓને ધ્યાનમાં લેશો તો જે આજે વિરોધ કરી રહ્યા છે, તેઓ પણ તેને સમર્થન આપશે. આ બિલ નવો વિષય નથી. 1938માં વક્ફ પર પ્રથમ બિલ બન્યું હતું. ત્યારથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને સુધારા થઈ રહ્યા છે.
રિજિજુએ લોકસભામાં વકફ બિલ રજૂ કર્યું, 8 કલાક સુધી થશે ચર્ચા
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. આ અંગે 8 કલાક ચર્ચા થવાની અપેક્ષા છે. વિપક્ષે આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ કહે છે કે આ બિલ લઘુમતીઓના અધિકારો પર હુમલો છે, જ્યારે સરકારનો દાવો છે કે તેનાથી વકફ મિલકતોનું વધુ સારું સંચાલન થશે. ચર્ચા દરમિયાન ગરમાગરમ ચર્ચાઓ થવાની અપેક્ષા છે.
વિપક્ષે સંશોધન માટે વિચારવા સમય માગ્યો
વિપક્ષ સાંસદ કે સી વેણુગોપાલે સદનમાં આ મહત્ત્વના વક્ફ સંશોધન બિલ 2025 મુદ્દે વિચારવા સમય માગ્યો હતો. જેના પર જવાબ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, અમે બંને પક્ષોને આ બિલ પર વિચારવા માટે સમાન સમય આપ્યો હતો.
WAQF Board Bill ના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓનું પ્રદર્શન
દિલ્હીમાં મુસ્લિમ મહિલાઓએ વક્ફ સંશોધન બિલના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે. મહિલાઓએ હાથમાં પોસ્ટર લીધા છએ કે, વક્ફ સંપત્તિની આવક તેના હકદાર સુધી પહોંચાડવા બદલ મોદીજીનો આભાર.
સરકાર ચાર કલાક સ્પષ્ટતા આપશે
કેન્દ્ર સરકાર 4.40 કલાક સુધી વક્ફ સંશોધન બિલ 2025માં કરવામાં આવેલા સુધારાઓ અંગે સ્પષ્ટતા આપશે. ત્યારબાદ વોટિંગ શરૂ થશે. લોકસભામાં આ બિલ પર ચર્ચા કરવા માટે આઠ કલાકનો સમય આપવામાં આવ્યો છે.
લોકોના હિતમાં લેવાશે નિર્ણય
રાષ્ટ્રીય લોકદળના સાંસદ ડો. રાજકુમાર સાંગવાને કહ્યું કે, અમે એનડીએનો જ હિસ્સો છીએ. જેપીસીમાં તમામ લોકોએ પોતાના વિચાર રજૂ કર્યા છે. આજે આ બિલ રજૂ કરવામાં આવશે. સરકારે તમામ પાસાંઓને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો છે. જે તમામના હિતમાં હશે.
વક્ફ બિલમાં 44 સુધારાઓ
સંસદીય સમિતિમાં કુલ 44 સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 14 સુધારાને જગદંબિકા પાલની આગેવાની હેઠળની JPC દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. સંશોધિત બિલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે, તો તે પહેલા વક્ફ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લઈએ.
સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નહીં
સપા સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું કે, વક્ફ સંપત્તિઓ પર સરકાર અને આરએસએસની નીતિ યોગ્ય નથી. તેઓ બધુ છીનવી લેવા માગે છે. સમાજવાદી પાર્ટી આ બિલની વિરૂદ્ધમાં છે.