
કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ (Waqf Bill Act )કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેની સામે સુપ્રીમ કોર્ટ( Supreme court)માં ૧૦થી વધુ અરજીઓ થઇ છે. સુપ્રીમ કોર્ટ બુધવારે આ અરજીઓની સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે. વિશ્વનાથનની બેંચ દ્વારા એક સાથે 10 અરજીઓની સુનાવણી કરવામાં આવશે. જ્યારે બાદમાં થયેલી અરજીઓની સુનાવણીની તારીખ બાદમાં જાહેર કરવામાં આવી શકે છે.
૧૦થી વધુ અરજીઓ થઇ
AIMI પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અરજીની સાથે આપના નેતા અમાનતુલ્લાહ ખાન, અસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ, અર્શદ મંદાની, સમસ્થ કેરળ જમિયતહુલ ઉલેમા, અંજૂમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શાફી, મોહમ્મદ ફર્ઝલુરહીમ, આરજેડી નેતા મનોજ કુમાર ઝાની અરજીનો સમાવેશ કરીને સુનાવણી કરાશે. જોકે તાજેતરમાં દાખલ થયેલી વધુ નવી અરજીઓની સુનાવણીની તારીખ જાહેર કરવામાં નથી આવી જેમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, સમાજવાદી પાર્ટીના સંભાલના સાંસદ ઝીયા-ઉર-રેહમાન, આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, સીપીઆઇ, અભિનેતા અને રાજકારણી વિજયની અરજીની સુનાવણી બાદમાં કરવામાં આવશે.
વક્ફ કાયદામાં સુધારો કરીને સરકારે મુસ્લિમોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો
મોટાભાગની અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે વક્ફ કાયદામાં સુધારો કરીને સરકારે મુસ્લિમોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે. જ્યારે વકીલ હરી શંકર જૈન અને મણી મુંજાલ દ્વારા પણ અરજી કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક એવી જોગવાઇ છે આ કાયદામાં જેનાથી બિનમુસ્લિમોના અધિકારોનો પણ ભંગ થઇ રહ્યો છે.
કેન્દ્ર સરકારે આ મામલે આઠ એપ્રીલના રોજ કેવિએટ દાખલ કરી
કેન્દ્ર સરકારે આ મામલે આઠ એપ્રીલના રોજ કેવિએટ દાખલ કરી હતી અને કોઇ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કે આદેશ આપતા પહેલા સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે તેવી માગ કરી હતી. દરમિયાન ઉત્તરાખંડ વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરાઇ છે જેમાં અગાઉની તમામ અરજીઓની વિપરિત વક્ફ કાયદામાં સુધારાનો બચાવ કરવામાં આવ્યો છે.
આ અરજીમાં માગ કરવામાં આવી છે કે ઓવેસીની અરજીમાં અમને પોતાનો પક્ષ રજુ કરવાની તક આપવામાં આવે. જ્યારે બંગાળના મુર્શિદાબાદમાં હિંસા વચ્ચે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વક્ફ સુધારાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા. છેલ્લા એક સપ્તાહથી અહીંયા બીએસએફ, સીઆરપીએફ, રાજ્યની હથિયારી પોલીસ, આરએએફની ટુકડીઓ તૈનાત છે. બંગાળની આ હિંસાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેવી માગણી કરતી બે અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેમાં કોર્ટની દેખરેખમાં એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરાઇ છે.