
બાર્બાડોસમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ટીવી અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકની જાહેરમાં ટીકા કરવા બદલ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના કોચ ડેરેન સેમીને મેચ ફીના 15% દંડ ફટકારવામાં આવ્યો છે. સેમીએ બીજા દિવસે ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) ના નિર્ણયો પર ચિંતા વ્યક્ત કરી હતી. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સેમીએ થર્ડ અમ્પાયરની વિવાદિત એમ્પાયરિંગ વિશે સવાલો ઉઠાવતાં આઈસીસીએ તેને દંડ ફટકાર્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ દરમિયાન થર્ડ અમ્પાયર દ્વારા 1-2 નહીં પરંતુ ઘણી વખત ખોટા નિર્ણયો આપવામાં આવ્યા હતા. સેમીએ તેના પર પ્રશ્નો ઉઠાવતાં તેને દંડ ફટકાર્યો છે. સેમીએ જાહેરમાં એટલા માટે ટીકા કરી હતી, કારણ કે મોટાભાગના નિર્ણયો તેની ટીમની વિરુદ્ધમાં હતા.
અહીંથી શરૂ થયો વિવાદ
આ વિવાદ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડથી શરૂ થયો હતો. જેને એમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો, બંનેના કેચમાં સમાનતા હતી. સેમીએ રોસ્ટન ચેઝ અને ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીનને લગતા LBW રેફરલ્સના વિપરીત નિર્ણય પર પણ ભાર મૂક્યો હતો. સેમીએ કહ્યું હતું કે, જે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, તેનાથી લાગે છે કે, બંને ટીમ માટે નિર્ણય નિષ્પક્ષ લેવામાં આવ્યા નથી. હું માત્ર નિષ્પક્ષતા ઈચ્છું છું.
ICCએ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું
સેમીની નિવેદનબાજીને આઈસીસીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અગાઉ, વેસ્ટ ઈન્ડિઝ ટીમના ફાસ્ટ બોલર જેડન સીલ્સ પર પણ મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે, વેસ્ટ ઈન્ડિઝ ત્રણ મેચની સીરિઝમાં 0-1થી પાછળ છે. બાર્બાડોસમાં રમાયેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં, વેસ્ટ ઈન્ડિઝે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયાના 180 રન સામે 190 રન બનાવી 10 રનની લીડ મેળવી હતી. પરંતુ બીજી ઇનિંગમાં, કાંગારૂઓએ 310 રન બનાવ્યા હતા. જેની સામે વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 141 રન બનાવી શકી હતી.