ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે સુરતના માંગરોળના દિનોદ ગામના રહેવાસી ભરતભાઈ શંકરભાઈ પટેલના પુત્ર પવનના લગ્ન તા. ૨૦ મે ના રોજ થયા હતા. તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે તા. ૨૨ મે ના રોજ તેમના ગામ દિનોદથી અજમેર જવા નીકળ્યા હતા. તા ૨૩ મે ના રોજ સવારે ૮:૦૦ કલાકે ઉદયપુર, રીથભદેવ કાલાજી મંદિર પાસે માર્ગ અકસ્માતમાં તેમના પુત્ર પવન, બેન નયનાબેન અને પત્ની કુસુમબેનને માથામાં ગંભીર ઈજાઓ થવાથી ઉદયપુરમાં આવેલ આર. એન. ટી હોસ્પીટલમાં તેઓને લઈ જવામાં આવ્યા હતાં. ફરજ પરના તબીબોએ તેમના પુત્ર પવન અને બહેન નયનાબેનને મૃત જાહેર કર્યા હતાં. તેમના પત્ની કુસુમબેનને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

