Home / : What is agoraphobia?

Shatdal: શું છે એગોરાફોબિયા?

Shatdal:  શું છે એગોરાફોબિયા?

- શબ્દસંહિતા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

लोग हर मोड पे रुक रुक के

संभलते क्यूं है,

इतना डरते है तो फिर घर से निकलते क्यूं है ।।

- राहत इंदौरी

હું ઘરમાંથી બહાર નીકળવાનું ટાળું છું. કારણ કે હું કુદરતના સાંનિધ્યમાં, હિમાલયની નયનરમ્ય ખુલ્લી ખીણમાં ફરવા જાઉં અને ત્યાં આતંકવાદીઓ મને ઘેરી વળે, હું ભાગી ન શકું, તેઓ મારો ધર્મ પૂછે અને મને ગોળી મારે તો? રમતગમતમાં મારી ટીમ ટ્રોફી જીતી, એના સન્માન સમારંભની ઉજવણીમાં હું શામેલ તો થાઉં પણ ત્યાં અણધારી ધક્કામુક્કી થાય, દોડધામ થાય અને હું કચડાઈ મરું તો? હું કૌટુંબિક કામે વિદેશ તો જાઉં પણ વિમાન ઊડયા ભેગું ધડામ તૂટી પડે તો? વરસાદી માહોલમાં હું નદીના પૂલ ઉપર આંટો મારવા જાઉં પણ પૂલ તૂટી પડે અને હું પાણીનાં વહેણમાં ઢસડાઈ જાઉં તો? હું ચારધામ યાત્રા દર્શન કરવા હેલિકોપ્ટર અસવાર થાઉં અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર તૂટી પડે તો? હું પોલો રમવા ઘોડે ચઢું પણ મારા મોઢામાં મધમાખી ઘૂસી જાય, ડંખ મારે અને મને હાર્ટએટેક આવી જાય તો? આતંકવાદી હૂમલો, ભાગદોડ, દૂર્ઘટના, અકસ્માતના સમાચારો રોજ છાપે ચઢે છે. ભાગી શકાય નહીં. બચી શકાય નહીં. કોઈ મદદે પણ ન આવી શકે. લાશોના ઢગલાં અને અવિરત કલ્પાંત. કાંઇ સમજ પડતી નથી, આ તે દેશની કેવી મહાદશા ચાલે છે. મને સાચે જ ઘરની બહાર નીકળતા ડર લાગે છે. હું ક્યાંક ફસાયો છું, લાચાર, નિ:સહાય. આ તે કેવી અવદશા? શ્વાસ પળ માટે અટકી જાય છે, ધબકારા વધી જાય છે. મને ઝાઝા લોકો હોય એવી જગ્યાઓએ જવાનો ભીષણ ડર લાગે છે. ક્યાંય લાઇનમાં ઊભા રહેવાનું આવે તો મોતિયા મરી જાય છે. પોતિયાં ઢીલા થઈ જાય છે. બસમાં કે મેટ્રોમાં ય સફર કરવામાં રીતસરની બીક લાગે છે. ઘર છોડવું ગમતું નથી. અને જવું જ પડે તો હું એકલો અટૂલો ક્યાંય જઈ શકતો નથી. કોઈ રક્ષણહાર સાથે જોઈએ જ છે. ઓલ ઈઝ નોટ વેલ.. અકસ્માત કે દૂર્ઘટના થવાની શક્યતાઓની સાપેક્ષ મારી બીક કે મારી ચિંતા અનેક ગણી વધારે છે. હું ગરનાળા નીચેથી પસાર થાઉં અને ઉપર પાટા પરથી ટ્રેન જતી હોય તો મને લાગે કે આ પુલિયું તૂટશે અને હું ડબ્બા નીચે દબાઈ જઈશ. એરપોર્ટની આજુબાજુથી ય પસાર થવામાં મને જોખમ લાગે છે. સામાજિક કાર્યક્રમો પણ મને અકારા લાગે છે. કામમાં મન લાગતું નથી. ખુલ્લી જગ્યાઓ દીઠી નથી કે લાગે કે ક્યાંકથી  કોઈ આવશે, ધાણીફૂટ ગોળીબાર કરશે અને હું હતો, ન હતો થઈ જઈશ. પછી તો પરસેવે રેબઝેબ થઈ જાઉં છું, ચક્કર આવે છે, પેટમાં ગડબડ થઈ આવે છે, લાગે છે કે પરિસ્થિતિ પર મારું કોઈ નિયંત્રણ નથી. તમે કહેશો કે હું રાઈનો પહાડ બનાવું છું. કદાચ તમે સાચા છો. પણ હવે એ જ પહાડ ઉપર હું ચઢી શકતો નથી, એ પણ તો એક હકીકત છે. આ મનોરોગ આગોરાફોબિઆ (Agoraphobia)ના  લક્ષણો છે.

એગોરાફોબિયા બે ગ્રીક શબ્દોનું સંયોજન છે. 'ફોબિયાં' એટલે અત્યંત અને અતાર્કિક હોય એવો ડર. ડર આમ તો સારો. આપણને નુકસાન થાય તે પહેલાં સાવચેત રહેવાનું સિગ્નલ આપે. પણ અતિશય ડર જીવનનું ધનોત પનોત કાઢી નાંખે. અને બીજો શબ્દ 'આગોરૈ' એટલે જાહેર ખુલ્લી જગ્યા અથવા માર્કેટની જગ્યા. મારા કમ્ફર્ટ ઝોનમાંથી હું જરાય આમતેમ થાઉં એટલે મારો ડર મારા ઉપર હાવી થઈ જાય. જર્મન સાયકોલોજિસ્ટ કાર્લ ફ્રેડરિચે આ શબ્દ સને ૧૮૭૧માં પોતાના એક લેખમાં પહેલી વાર રજૂ કર્યો. આજે અમેરિકામાં કુલ વસ્તીનાં ૫.૧ % લોકો એગોરાફોબિયાથી પીડાય છે. ભારતમાં આ આંક ૧.૬% હોવાનો અંદાજ છે. પુરુષનાં મુકાબલે સ્ત્રીઓમાં આ રોગ વિશેષ જોવા મળે છે. જુવાનીમાં સામાન્ય રીતે દેખા દેય પણ કોઈ પણ ઉંમરે આ રોગ આવી શકે. ક્યારેક માતાપિતા બાળકની વધારે પડતી કાળજી લીધે રાખે અને એ બાળક મોટું થાય પણ જાતે કાંઇ કરી નહીં શકે અને ત્યારે આ રોગ થઈ શકે. એવી વ્યક્તિ જે કાયમ કોઇ અન્ય ઉપર જ આધારિત હોય અથવા જેની તાસીર જ પલાયનવાદી હોય એને પણ આવો રોગ થઈ શકે. આ બીમારી અનુવાંશિક હોઇ શકે અથવા ભૂતકાળના ખરાબ અનુભવમાંથી નીકળી આવે અને તાજેતરની ભયાવહ ઘટનાઓના ખરાબ અનુભવમાંથી પરિસ્થિતિ વકરી શકે છે. ટૂંકમાં આ રોગ વધી રહ્યો છે. સારવાર ચોક્કસ શક્ય છે. નિષ્ણાંત મનોચિકિત્સક અને/અથવા માનસશાસ્ત્રીની સલાહ કે સારવાર લેવી જોઈએ. બાકી અમે તો કહીએ સ્વસ્થ આહાર લેવો. નિયમિત કસરત કરવી. દારૂ, નશીલા પદાર્થ અને કૅફેનનું સેવન બંધ કરવું,જો તમે એવું કરતાં હો તો!

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર, રાઇટર, એક્ટર વૂડી એલન એગોરાફોબિક છે. મુસાફરી દરમ્યાન બોગદામાંથી તેઓ ક્યારેય પણ પસાર થતાં નથી. જો કે તેઓને બીજા ઘણાં મનોરોગ છે. જેમ કે બાથરૂમમાં પાણીનું ડ્રેઈન હોલ ફ્લોરની વચમાં હોય તો તેઓ નહાતાં નથી. રોજ એક જ પ્રકારનો બ્રેકફાસ્ટ કરે છે, જેમાં એક કેળું ચોક્કસ હોય છે, જેની બરાબર સાત સ્લાઈસ હોય છે. તેઓ રોજ સ્લાઈસ ગણીને પછી જ નાસ્તો કરે છે. એગોરાફોબિયા સાથે અન્ય ફોબિયા સાથે જોડીમાં આવી ચઢે, એમ પણ બને. 

આખરે તો આ વિચાર રોગ છે. સોલ્યુશન સિમ્પલ છે. તમારે તમારા વિચારોને કંટ્રોલ કરવાની જરૂર નથી. માત્ર એટલું જોવું કે તમારા વિચારો ક્યાંક તમને કંટ્રોલ ન કરવા માંડે. હેં ને ?

- પરેશ વ્યાસ

શબ્દ શેષ :

'ઘણાં લોકોને ઊંચાઈની બીક લાગે છે. મને નહીં, મને પહોળાઈની બીક લાગે છે.' 

- અમેરિકન કોમેડિયન સ્ટીવ રાઇટ

Related News

Icon