
પૃથ્વી પર કયામતનો દિવસ કે પ્રલય આવે તો તેનાથી બચવા માટે અમેરિકાની સરકારે 21 ટ્રિલિયન ડોલર્સના ખર્ચે ગુપ્ત શહેર વસાવી લીધું છે. આ અંડરગ્રાઉન્ડ શહેરમાં આવેલા શેલ્ટર્સમાં રહીને હાઈ પ્રોફાઈલ ધનવાન અમેરિકન્સ અને મોટા અધિકારી પ્રલય સામે ટકી શકે તેમ છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના શાસનકાળમાં યુએસના શહેરી વિકાસ ખાતામાં સહાયક સચિવ તરીકે કામગીરી બજાવનાર કેથરિન ઓસ્ટિન ફિટસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમેરિકાએ લગભગ 170 ભૂગર્ભ સ્થળો વિકસાવ્યા છે. જે એક મોટી પરિવહન પ્રણાલિ સાથે જોડાયેલા છે. આ સ્થળોમાંથી કેટલાક સ્થળો દરિયામાં પણ આવેલા છે.
કેથરિને પોતાના દાવાના ટેકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી માર્ક સ્કિડમોરના એક સંશોધનનો હવાલો પણ આપ્યો હતો. આ સંશોધનમાં 1998 અને 2015 દરમિયાન સંરક્ષણ અને શહેરી વિકાસ વિભાગોમાં મોટાપાયે આર્થિક હેરફેર કરાઈ હોવાનું જણાયું હતું. કેથરિન ફિટસે દાવો કર્યો હતો કે તેણે 21 ટ્રિલિયન જેવી જંગી રકમ ક્યાં ગઈ તે વિશે વર્ષો સુધી તપાસ કરી હતી. આખરે તે રકમ ભૂગર્ભ શહેર વસાવવામાં વાપરવામાં આવી હોવાના તારણ પર તે પહોંચી છે.
કેથેરિને દાવો કર્યો હતો કે આ ગુપ્ત બંકર્સનો ઉપયોગ ગુપ્ત સ્પેસ પ્રોગ્રામ માટે અથવા ગુપ્ત સરકારી કાર્યવાહી કરવા માટે પણ થઈ શકે છે. શીત યુદ્ધ દરમ્યાન વેસ્ટ વર્જિનિયામાં ગ્રીનબ્રિયર રિસોર્ટની નીચે બંકર્સ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસમેન માટે આ બંર્ક્સ બનાવવામાં આવ્યા હતા. પણ કેથરિને કરેલા દાવા અનુસાર વિરાટ કદના કોઈ ભૂગર્ભ શહેર સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા સાંપડયા નથી.