
અમેરિકામાં ભારતીય મૂળના છ સાંસદોએ શુક્રવારે પ્રતિનિધિ સભાના સભ્ય પદે શપથ લીધા હતાં. આ સાથે અમેરિકાના સંસદના નીચલા સદનમાં પ્રથમ વખત છ ભારતવંશી પહોંચ્યા છે. જેમાં ચાર હિન્દુ છે. જે ભારતીય-અમેરિકન સાંસદોએ શપથ લીધા છે, તેમાં અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર અને સુહાસ સુબ્રમણ્યમ સામેલ છે.
વધુને વધુ ભારતીય-અમેરિકન્સનું સ્વાગત કરવા સજ્જ
ભારતીય-અમેરિકન સાંસદ અમી બેરાએ એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, 'જ્યારે 12 વર્ષ પહેલાં હું પ્રથમ વખત અમેરિકાની સંસદમાં પહોંચ્યો ત્યારે એકમાત્ર ભારતીય-અમેરિકન અને અમેરિકાના ઈતિહાસમાં ત્રીજો સભ્ય હતો. હવે અમારૂ ગઠબંધન છ સભ્યો સાથે વિસ્તર્યું છે. આગામી વર્ષોમાં કોંગ્રેસ સદનમાં વધુને વધુ ભારતીય અમેરિકન્સનું સ્વાગત કરવા ઉત્સુક છું.'
‘સમોસા કોક્સ’ ફરી એકવાર ચર્ચામાં
આ છ સાંસદોની નિમણૂક બાદ અમેરિકાની રાજનીતિમાં ‘સમોસા કોક્સ’ શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અગાઉ 2016માં પણ આ શબ્દ ખૂબ ચર્ચાયો હતો. ત્યારે પ્રથમ વખત 5 ભારતવંશી અમેરિકી સાંસદ ચૂંટાયા હતા. જેમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ હતા. કૃષ્ણમૂર્તિએ આ શબ્દ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો : વિમાનમાં મુસાફરી કરતા પહેલા બેગના વજનના આ નવા નિયમ જાણી લેજો, નહીંતર ખિસ્સાં થશે ખાલી
શું છે ‘સમોસા કોક્સ’?
અમેરિકાના સંસદની અંદર ભારતીય મૂળના સાંસદો અને પ્રતિનિધિ ગ્રૂપને ‘સમોસા કોક્સ’ તરીકે સંબોધવામાં આવે છે. આ વખતે છ સાંસદ અમેરિકાના નીચલા સદનમાં કામ કરશે. વિશ્વભરમાં પ્રસિદ્ધ સમોસા ભારતીય ખાણું છે. આથી ભારતીય મૂળના સાંસદો સાથે તેને જોડવામાં આવ્યો છે.
અમી બેરા સાતમી વખત ‘સમોસા કોક્સ’નો હિસ્સો
કેલિફોર્નિયામાંથી ચૂંટાયેલા અમી બેરાએ સતત સાતમી વખત શપથ લીધા છે. અમેરિકાના સંસદમાં બેરા સૌથી વરિષ્ઠ ભારતીય સાંસદ છે. વર્જિનિયામાંથી ચૂંટાયેલા સુહાસ સુબ્રમ્ણયમ પ્રતિનિધિ સભાના સૌથી નવા ભારતવંશી સભ્ય બન્યા છે.
ભારતવંશી પ્રથમ મહિલા સાંસદ બની પ્રમિલા જયપાલ
મિશિગનમાંથી થ્રી થાનેદાર, કેલિફોર્નિયાના 17માં કોંગ્રેસ જિલ્લામાંથી રો ખન્ના અને ઈલિનોઈસના આઠમા કોંગ્રેસ જિલ્લામાંથી રાજા કૃષ્ણમૂર્તિ ચૂંટાયા છે. મહિલા સાંસદ પ્રમિલા જયપાલ વોશિંગ્ટનના સાતમા કોંગ્રેસ જિલ્લામાંથી ચૂંટાયા હતાં. તે સદનમાં પ્રથમ અને એકમાત્ર ભારતવંશી મહિલા સાંસદ છે. અમેરિકામાં સૌથી પ્રથમ ભારતીય-અમેરિકન સાંસદ દલિપ સિંહ સૌદ પ્રતિનિધિ સભામાં ચૂંટાનારા પ્રથમ ભારતીય સાંસદ હતાં. તે 1957માં ચૂંટાયા હતાં. પાંચ દાયકા બાદ બોબી જિંદલ 2005માં સાંસદ બન્યા હતાં.