
તારીખ 2 એપ્રિલ, 2025 ઇતિહાસમાં અંકિત થઈ ગઈ છે. એ દિવસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 180થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો હતો. આ કારણથી આખી દુનિયામાં આર્થિક ઉથલપાથલ મચી ગઈ છે, વિશ્વભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આ સ્થિતિમાં યાદ આવે છે એક સદી જૂની એ ‘ગ્રેટ’ મંદી જે અમેરિકામાં શરુ થઈને પછી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. ચાલો, જાણીએ ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ની એ કહાની...
‘બ્લેક ટ્યુઝડે’ એ આણી વૈશ્વિક મંદી
વાત 96 વર્ષ જૂની છે. 29 ઑક્ટોબર, 1929ના મંગળવારે વૈશ્વિક મહામંદીની પનોતી બેઠી હોવાથી એ દિવસને ‘બ્લેક ટ્યુઝડે’ એટલે કે 'અશુભ મંગળવાર'નું ટૅગ અપાયું હતું. આખા વિશ્વને ભરડામાં લેનાર એ મંદી ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ ગણાવાઈ, કેમ કે એણે પૂરા એક દાયકા સુધી માનવજાતને હંફાવી હતી.
મંદી અગાઉનું સમૃદ્ધ અમેરિકા કેવું હતું?
વર્ષ 1928માં અમેરિકન નાગરિકો સમૃદ્ધ જીવન જીવી રહ્યા હતા. બેરોજગારીનો દર માત્ર 4 ટકા હતો, એટલે કે દર 100માંથી 96 લોકો પાસે કમાણીનો સ્ત્રોત હતો. વીજળી અને લેન્ડલાઇન ટેલિફોન જેવી સુવિધાઓ સહજતાથી પ્રાપ્ત હતી. એ જમાનામાં લક્ઝરી ગણાતાં રેડિયોનું વેચાણ ખૂબ વધી ગયું હતું. કાર એટલી સસ્તી થઈ ગઈ હતી કે દરેક ઘરને પરવડી શકે. મકાનો અને જમીનના વેચાણમાં તેજી હતી. લોકો ખૂબ પ્રવાસ કરતા. શેરમાર્કેટમાં જબરું રોકાણ થઈ રહ્યું હતું. જેમની પાસે નાણાં નહોતા એ પણ શેરબજારની તેજીનો લાભ લેવા માટે બેંક લોન લઈને એ નાણાં શેરમાર્કેટમાં રોકી રહ્યા હતા. ટૂંકમાં, અમેરિકન પ્રજા ખૂબ સુખી હતી, છૂટા હાથે ખર્ચતી હતી, અને નાણાંનો પ્રવાહ અમેરિકન અર્થકારણની નૌકા પૂરઝડપે દોડાવી રહ્યો હતો.
અતિની બેફામ ગતિ નડી ગઈ
‘અતિ સર્વત્ર વર્જયેત’ (એટલે કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં) અમેરિકાનેય નડી ગઈ. ઔદ્યોગિક ઉત્પાદન બેશુમાર થયા જ કર્યું અને લોકોએ ખરીદવાનું બંધ કર્યું. વર્ષો સુધી ચાલતાં વાહનો, રેડિયો વગેરે એકવાર ખરીદી લીધા બાદ કોઈ વારંવાર તો ન ખરીદે-ને? એટલે તૈયાર માલનો ભરાવો થવા લાગ્યો. માલ ન વેચાયો, પડ્યો રહ્યો એટલે ફેક્ટરીઓની આવક અટકી ગઈ. કર્મચારીઓને પગાર ન અપાયો એટલે કર્મચારીઓના ઘરનું ગાડું ખોડંગાવા લાગ્યું. જેવું ઔદ્યોગિક મામલે થયું એવું જ કૃષિ ક્ષેત્રે પણ થયું. ખેડૂતોએ લણેલા પાકનો ભરાવો થઈ ગયો. ખરીદાર ન મળતાં બધું સડવા લાગ્યું. ખેડૂતો પાયમાલ થયા. નાણું ફરતું બંધ થતાં અમેરિકાનું અર્થચક્ર ખોરંભે ચડ્યું.
છેવટે શેરમાર્કેટની પડતી શરુ થઈ
નાણાં પ્રવાહને બૂચ લાગતાં 24 ઑક્ટોબર, 1929ના દિવસથી શેરમાર્કેટ તૂટવા લાગ્યું. એ દિવસ ઇતિહાસમાં ‘બ્લેક થર્સ્ડે’ (અશુભ ગુરુવાર) તરીકે નોંધાયો. તે દિવસે શેરની કિંમતો સતત ઘટવા લાગી, પણ કેટલાક ખમતીધર વેપારીઓએ શેરોની મોટી ખરીદી કરીને શેરમાર્કેટને ગગડતું અટકાવી દીધું. શેરના ભાવ ફરી વધવા લાગ્યા. લોકોએ રાહતનો શ્વાસ લીધો.
28 ઑક્ટોબર 1928ના રોજ ફરી મંદીના એંધાણ વર્તાવા શરુ થયા. શેરોના ભાવ નીચા જવા લાગ્યા, પણ બજાર દ્વારા તેની અવગણના કરવામાં આવી. કોઈને અંદાજ જ નહોતો કે બીજા દિવસે કેવો અભૂતપૂર્વ કડાકો બોલવાનો હતો. 29 ઑક્ટોબર 1929ની સવારે શેરબજાર ધબાય નમઃ થઈ ગયું. ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં લગભગ 1.6 કરોડ શેર ખરીદાયા અને વેચાયા, પરંતુ તીવ્ર ઘટાડો જારી રહ્યો. 11.73%નો જબ્બર ઘટાડો થયો. વોલ સ્ટ્રીટ પર 'સેલ-સેલ' સિવાય કશું સંભળાતું નહોતું. એ દિવસ ઇતિહાસના પાનામાં ‘બ્લેક ટ્યુઝડે’ (અશુભ મંગળવાર) તરીકે આલેખાયો.
દુષ્ચક્ર શરુ થયું ને ચાલતું જ રહ્યું
તેજીના સમયમાં બેંકોએ હદપાર લોન આપી રાખી હતી. પગાર વગરના લોકો બેંક લોન ભરી ન શકતા બેંકોમાં આવતા નાણાં અટકી ગયાં. જેમની બચત બેંકમાં હતી એમણે ઘર ચલાવવા બેંકમાંથી ઉપાડ વધાર્યો, એટલે પણ બેંકો ખાલી થવા લાગી. નાણાંચક્ર ખોટકાતાં આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થયો. આમ, એક બાબતે બીજીને પ્રભાવિત કરી અને બીજીએ ત્રીજીને. આ દુષ્ચક્ર ચાલતું જ રહ્યું, ચાલતું જ રહ્યું અને અંતે ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ કહેવાતી મંદીમાં પરિણમ્યું.
‘બ્લેક ટ્યુઝડે’ એ વૈશ્વિક મંદીના બીજ વાવ્યા
નાણાંને અભાવે અમેરિકામાં ઉદ્યોગોને તાળા લાગ્યા. કરોડપતિઓ અને બેંકો બરબાદ થઈ ગયાં. લોકોએ નોકરી ગુમાવી, બચત ગુમાવી, ઘર ગુમાવ્યા. આજની જેમ એ જમાનામાં પણ અમેરિકા વિશ્વના અન્ય દેશો સાથે ખૂબ બધો વ્યાપાર કરતું હોવાથી ત્યાં આવેલી મંદીની પહેલી અસર યુરોપમાં થઈ અને પછી આખી દુનિયા મહામંદીની ચપેટમાં આવી ગઈ. યુરોપ, એશિયા અને અન્ય ખંડોના ઉદ્યોગો બંધ થવા લાગ્યા. લોકોની આવક ઘટી. ઘણા દેશોમાં બેરોજગારીનો દર 33 % સુધી પહોંચી ગયો છે. 1932 સુધીમાં વૈશ્વિક ઔદ્યોગિક ઉત્પાદનમાં 45 % નો ભારે ઘટાડો થયો હતો, જેને લીધે આગામી એક દાયકા સુધી વિશ્વના ઘણા દેશો માલસામાનના પુરવઠાની કટોકટીનો સામનો કરવાના હતા. આ મંદી ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ તરીકે ઓળખાઈ. માનવ ઈતિહાસની એ સૌથી મોટી આર્થિક મંદી હતી.
આત્મહત્યાઓ વધી, લોકો ભૂખે મર્યા, ડરનો માહોલ સર્જાયો
મંદીના બે વર્ષમાં બે હજાર બેંકો નાદાર થઈ ગઈ. 4 વર્ષમાં 11 હજાર બેંકો (અમેરિકાની અડધી બેંકો) બંધ થઈ ગઈ. જે બેંકો ચાલુ હતી તેમાં નાણાં મૂકવામાં પણ લોકો ડરવા લાગ્યા. મંદીમાં સર્વસ્વ ગુમાવનાર એક મહિલાએ ન્યૂ યોર્કની એક બિલ્ડિંગના 44મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એ પછી અફવાઓનું બજાર એટલું ગરમ હતું કે એક વ્યક્તિ એક ઊંચી ઇમારત પર પેઇન્ટિંગ કરવા ચઢ્યો તો લોકો એને જોઈને દોડભાગ કરવા લાગ્યા, એમ સમજીને કે એ પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો.
મંદીના અજગર ભરડામાં સપડાયેલા અમેરિકનો પાસે બે ટંકનું ખાવાના પૈસા પણ નહોતા બચ્યા. મફત ભોજન આપતા કેન્દ્રોમાં લાંબી કતારો લાગવા લાગી. એકલા ન્યૂ યોર્ક શહેરમાં જ દરરોજ 82 હજાર ફ્રી મીલ (મફત ભોજન) વહેંચવામાં આવતા. બેઘર લોકો આવું ભોજન ખાઈને રાતે ફૂટપાથ પર જ સૂઈ જતા.
રોજગારી સર્જવા ઐતિહાસિક હુવર ડેમ બાંધવામાં આવ્યો
મંદીના બે વર્ષમાં બે હજાર બેંકો નાદાર થઈ ગઈ. 4 વર્ષમાં 11 હજાર બેંકો (અમેરિકાની અડધી બેંકો) બંધ થઈ ગઈ. જે બેંકો ચાલુ હતી તેમાં નાણાં મૂકવામાં પણ લોકો ડરવા લાગ્યા. મંદીમાં સર્વસ્વ ગુમાવનાર એક મહિલાએ ન્યૂ યોર્કની એક બિલ્ડિંગના 44મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એ પછી અફવાઓનું બજાર એટલું ગરમ હતું કે એક વ્યક્તિ એક ઊંચી ઇમારત પર પેઇન્ટિંગ કરવા ચઢ્યો તો લોકો એને જોઈને દોડભાગ કરવા લાગ્યા, એમ સમજીને કે એ પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો.
મંદીના અજગર ભરડામાં સપડાયેલા અમેરિકનો પાસે બે ટંકનું ખાવાના પૈસા પણ નહોતા બચ્યા. મફત ભોજન આપતા કેન્દ્રોમાં લાંબી કતારો લાગવા લાગી. એકલા ન્યૂ યોર્ક શહેરમાં જ દરરોજ 82 હજાર ફ્રી મીલ (મફત ભોજન) વહેંચવામાં આવતા. બેઘર લોકો આવું ભોજન ખાઈને રાતે ફૂટપાથ પર જ સૂઈ જતા.
રોજગારી સર્જવા ઐતિહાસિક હુવર ડેમ બાંધવામાં આવ્યો
મંદીના કાળમાં અમેરિકનોને રોજગારી મળે એ માટે તત્કાલીન રિપબ્લિકન પ્રમુખ હર્બર્ટ હુવરે કોલોરાડો નદી પર વિશાળ હુવર ડેમ ચણાવ્યો. ડેમ નિર્માણ પ્રોજેક્ટમાં 5000 લોકોને રોજગારી તો મળી, પણ આખા દેશમાં લાખો લોકો મહામંદી જેવા મહાસંકટનો ભોગ બન્યા હોય ત્યારે એક પ્રોજેક્ટના શ્રીગણેશ પૂરતા નહોતા. અર્થશાસ્ત્રીઓ ઇચ્છતા હતા કે સરકારે પરિસ્થિતિને સંભાળવા માટે કડક પગલાં લેવાની જરૂર છે પરંતુ એવું કંઈ થયું નથી.
મંદીએ સરકાર બદલી નાંખી, સરકારી યોજનાઓ કામે લાગી
મંદીના દોરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ. સત્તાધારી રિપબ્લિકન પક્ષ હાર્યો. ન્યૂ યોર્કના ડેમોક્રેટિક ગવર્નર ફ્રેન્ક્લિન ડી. રૂઝવેલ્ટ પ્રમુખપદની રેસમાં ઉતર્યા હતા. દેશને મંદીના ભરડામાંથી બહાર કાઢવાના તેમના વચનોમાં જનતાએ વિશ્વાસ જતાવ્યો અને રૂઝવેલ્ટ જીતી ગયા, 4 માર્ચ, 1933ના રોજ પ્રમુખ બન્યા. રોજગારી સર્જવા માટે તેમણે TERA યોજના અમલમાં મૂકી.
TERA (ટેમ્પરરી ઈમરજન્સી રીલિફ એડમિનિસ્ટ્રેશન – અસ્થાયી આપાતકાલીન રાહત પ્રશાસન) યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી. ખેતરોમાં પડી રહેલા વેચાયા વિનાના પાકને ભેગો કરીને એનો ઉપયોગ લોકોને મફત ભોજન આપવામાં કરવામાં આવ્યો. અમેરિકામાં પહેલીવાર શાળાઓમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, જેથી બાળકોના એક ટંકના ભોજનનો ખર્ચ એમના મા-બાપે ન કરવો પડે.
મજૂર વર્ગને રોજગાર આપવા માટે સરકારે CWA (સિવિલ વર્ક્સ એડમિનિસ્ટ્રેશન) યોજના શરુ કરી, જે અંતર્ગત સમગ્ર દેશમાં રસ્તા, બગીચા, શાળા, પુલો વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. આનાથી ચાલીસ લાખથી વધુ કામદારોને રોજગારી મળી.
આવક વધારવા નિયમો બદલ્યા, દારૂ પરનો પ્રતિબંધ હટાવાયો
સરકારી આવક વધારવા માટે દારૂ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. એનાથી સરકારને મળતા કરમાં વધારો થયો. સરકારે શેરબજારને સરકારી નિયંત્રણમાં લીધું અને ટ્રેડિંગ પર દેખરેખ રાખવા માટે કડક નિયમો બનાવ્યા. બેંકિંગ કટોકટીનો અંત લાવવા માટે તેમણે ફક્ત એવી બેંકોને કામ કરવાની છૂટ આપી જે આર્થિક રીતે સદ્ધર હોય અને લાંબા ગાળા સુધી સ્થિર રીતે કામ કરી શકે. એનાથી લોકોમાં બેંક પ્રત્યે શ્રદ્ધા વધી. લોકો ફરી બેંકોમાં બચત મૂકવા લાગ્યા.
બીજા વિશ્વયુદ્ધે અમેરિકાને મહાસત્તા બનાવ્યું
વર્ષ 1939 સુધીમાં અમેરિકામાં મંદીની અસર સમાપ્ત થવા આવી હતી. એ જ સમયે બીજું વિશ્વયુદ્ધ શરુ થઈ ગયું અને દુનિયા ફરી અનિશ્ચિતતામાં ઘેરાઈ ગઈ. જોકે, અમેરિકા શરુઆતમાં યુદ્ધનો હિસ્સો નહોતું. જાપાને અમેરિકાના પર્લ હાર્બર બેઝ પર હુમલો કર્યો ત્યારે અમેરિકાને યુદ્ધમાં ઉતરવું પડ્યું. યુદ્ધ માટે અમેરિકાને હથિયારોની જરૂર પડી. એ બનાવવા ફેક્ટરીઓ ધમધમી ઊઠી. લાખો લોકોને પુષ્કળ કામ મળ્યું. યુદ્ધમાં લડવા લોકો સેનામાં નોકરી લેવા લાગ્યા. એ રીતે બીજું વિશ્વયુદ્ધ અમેરિકાને ફળ્યું અને એની આર્થિક ગાડી ફરી તેજીમાં આવી ગઈ.
1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો, ત્યાં સુધીમાં અમેરિકા વિશ્વનો સૌથી ધનિક દેશ તરીકે ઊભરી આવ્યો હતો. એ બાદશાહત આજ સુધી જળવાઈ રહી છે. અમેરિકન શેરમાર્કેટમાં થતી નાની અમસ્તી હિલચાલ પણ દુનિયા આખીના શેરબજારોને અસર કરે છે. હાલ, એ જ થઈ રહ્યું છે.
દુનિયાએ જોયેલી અન્ય આર્થિક મંદીઓ કઈ હતી?
વર્ષ 1929ની મહામંદી ઉપરાંત પણ દુનિયા અન્ય આર્થિક મંદીઓની સાક્ષી બની છે.
વર્ષ 1973ની ઓઇલ કટોકટી
ઓઇલ નિકાસ કરતાં દેશોની સંસ્થા OPEC દ્વારા તેલના ભાવમાં વધારાને કારણે આ મંદી સર્જાઈ હતી. એને કારણે ઘણા વિકસિત દેશોએ આર્થિક કટોકટી અને ફુગાવાનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2002ની મંદી
અમેરિકામાં 2001માં 9/11નો આતંકી હુમલો થયો હતો. એ જ અરસામાં ‘ડોટ કોમ’નો બબલ પણ ફૂટી જતાં મંદી આવી હતી, જેની અસર ઘણા વર્ષો સુધી રહી હતી. એને લીધે શેરબજારો તૂટ્યા હતા, ઘણા દેશોમાં બેરોજગારી વધી હતી અને આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો.
વર્ષ 2008ની મંદી
આ મંદી અમેરિકામાં હાઉસિંગ સેક્ટરની કટોકટી સાથે શરુ થઈ હતી. તેની અસર સમગ્ર વિશ્વમાં થઈ હતી. ઘણા દેશોની બેંકો બરબાદ થઈ ગઈ, આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થયો અને બેરોજગારી વધી હતી.
કોરોના લોકડાઉનને પગલે સર્જાયેલી મંદી
2019ના અંતમાં શરુ થયેલા COVID-19 રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉને વૈશ્વિક અર્થવ્યવસ્થાને નકારાત્મક અસર કરી હતી. એ દરમિયાન વૈશ્વિક જીડીપીમાં 3%નો ઘટાડો થયો હતો. અગાઉની તમામ કટોકટીઓ કરતાં આ સમયગાળામાં દુનિયાએ વધુ આર્થિક નુકશાન ભોગવ્યું હતું.