
પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર એક મંત્રી અનેક દિવસોથી ગુમ છે. બે મહિના સુધી કોઈ ભાળ ન મળતા શી જિનપિંગે પોતાના ઉદ્યોગ અને માહિતી પ્રૌદ્યોગિક (ટેકનોલોજીકલ) મંત્રી જિન ઝુઆંગલોંગને પદથી હટાવી દીધા છે. જિન ઝુઆંગલોંગ છેલ્લી વખત 27 ડિસેમ્બર, 2024ના રોજ જાહેરમાં જોવા મળ્યા હતા. આ સમયે તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નવા ઔદ્યોગિકરણની નીતિના વખાણ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમને દેશમાં ઉડ્ડયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઓળખવામાં આવે છે.
ચીનને પ્રૌદ્યોગિક મહાશક્તિ બનાવવાની ભૂમિકા માટે ઝુઆંગલોંગને ખુબ શ્રેય મળ્યો છે. ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીની સરકારે શુક્રવાર સાંજે જાહેરાત કરી છે કે, ઝુઆંગલોંગને તેમના પદ પરથી હટાવી દેવાયા છે અને તેમની જગ્યાએ લી લેચેંગની નિમણૂક કરવામાં આવી છે.
જો કે, સરકાર તરફથી કોઈ વધુ જાણકારી આપવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુમ થતા પહેલા ઝુઆંગલોંગે કેટલીક બેઠકો કરી હતી અને કેટલીક પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. તેઓ ચીની વડાપ્રધાન લી કિયાંગ સાથે અનેક પ્રવાસમાં સાથે હતા.
ઝુઆંગલોંગ આ પ્રકારે ગુમ થનારા ચીનના ચોથા મંત્રી છે. આ પહેલા રક્ષા, કૃષિ અને વિદેશ મંત્રી પણ ગુમ થઈ ચૂક્યા છે. લાંબા સમય સુધી ગેરહાજર રહ્યા બાદ તેમણે આ પહેલા ત્રણ મંત્રીઓને પણ પદ પરથી હટાવી દીધા હતા. માનવામાં આવે છે કે, તેના પર ભ્રષ્ટાચારના આરોપ હશે. એટલા માટે તેઓ લાંબા સમયથી ગુમ છે. જો કે, સત્તાવાર રીતે હજુ સુધી કંઈ પણ નથી કહેવાયું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના ત્રીજા કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે.
ઝુઆંગલોંગના અચાનક ગુમ થવા પર જાણિતા ચાર લોકોએ જણાવ્યું છે કે, તેમના વિરૂદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી આરોપો હેઠળ તપાસ કરવામાં આવી શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લગભગ એક દાયકા પહેલા સત્તામાં આવ્યા બાદથી સરકારી ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોટાપાયે અભિયાન ચલાવ્યું છે.