
ટેસ્લાના CEO ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની માગ કરી છે. તેમના આ નિવેદન પર અમેરિકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે બુધવારે કહ્યું કે અમેરિકાએ યુએનએસસી સહિત સંયુક્ત રાષ્ટ્રની બીજી સંસ્થાઓમાં સુધારાની રજૂઆત કરી છે. પટેલે કહ્યું, રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાની ટિપ્પણીમાં પહેલા પણ આ વિશે વાત કરી છે. સચિવે પણ આ વિશે જણાવ્યું છે. અમે ચોક્કસપણે સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રની અન્ય સંસ્થાઓમાં સુધારાનું સમર્થન કરીએ છીએ. આવુ કરીને અમે 21મી સદીની દુનિયાને પ્રતિબિંબિત કરી શકીએ છીએ.
જાન્યુઆરીમાં એલોન મસ્કે કહ્યું હતું કે જે દેશોની પાસે જરૂરિયાતથી વધુ શક્તિ છે, તે તેને છોડવા માંગતા નથી. સમસ્યા એ છે કે જેની પાસે વધુ શક્તિ છે તે તેને છોડવા ઈચ્છતા નથી. ભારતની પાસે કાયમી સભ્યપદ નથી જ્યારે પૃથ્વી પર સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આફ્રિકાને પણ સામૂહિક રીતે એક કાયમી સભ્યપદ મળવું જોઈએ.
ભારત લાંબા સમયથી વિકાસશીલ વિશ્વના હિતોનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરવા માટે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માગ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલ 15 દેશ છે. જેમાં પાંચ કાયમી સભ્ય છે. બે વર્ષના કાર્યકાળ માટે પસંદ કરવામાં આવેલા 10 અસ્થાયી સભ્ય દેશ પણ સામેલ છે.
યુએનએસસીના પાંચ સ્થાયી સભ્યોમાં ચીન, યુનાઈટેડ કિંગડમ, ફ્રાંસ, રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકા સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિન-સ્થાયી સભ્યોએ યુએનજીએ દ્વારા 2 વર્ષના કાર્યકાળ માટે પસંદ કરવામાં આવે છે.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો સામેલ
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા પહેલા ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દેશ માટે કાયમી સભ્યપદ પ્રાપ્ત કરવાના સોગંધ ખાધા છે. 14 એપ્રિલે જારી ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કહ્યું, અમે વૈશ્વિક નિર્ણય લેવામાં ભારતની સ્થિતિને ઉપર ઉઠાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પહેલા જાન્યુઆરીમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે વધતા વૈશ્વિક સમર્થન પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે ક્યારેક વસ્તુઓ ઉદારતાથી આપવામાં આવી નથી. તેના પર કબ્જો કરવો પડે છે.