
ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી વિશ્વ ખળભળી ઊઠ્યું છે. અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન પર આકરો ટેરિફ લાદી દીધો છે અને એમાં હજુ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એ તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને મેટલ વૉર છેડી દીધું છે. આજના ટેક્નોલોજીકલ જમાનામાં જેના વિના પ્રગતી અટકી પડે એવી અત્યંત મહત્ત્વની 7 દુર્લભ ધાતુઓની નિકાસ ચીને બંધ કરી દીધી છે. આ એવી ધાતુઓ છે જે ચીનમાં પુષ્કળ માત્રામાં મળી આવે છે અને વિશ્વમાં એની સૌથી વધુ નિકાસ ચીન જ કરે છે.
ચીને કઈ કઈ ધાતુઓની નિકાસ પર બ્રેક મારી?
ચીને જે સાત ધાતુઓની નિકાસ બંધ કરી દીધી છે તે છે ગેડોલિનિયમ, ટર્બિયમ, સમેરિયમ, ડિસપ્રોસિયમ, સ્કેન્ડિયમ, યટ્રીયમ અને લ્યુટેટીયમ. આ તમામ ધાતુના નામ તમે કદાચ પહેલીવાર સાંભળી રહ્યા હશો. અજાણી લાગતી આ ધાતુઓ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે તેમનો ઉપયોગ એવી ચીજવસ્તુઓ બનાવવામાં થાય છે જેને આપણે રોજબરોજની જિંદગીમાં વાપરતા હોઈએ છીએ. કેટલાય એવા ઉદ્યોગો છે જે આ ધાતુઓના અભાવે ઠપ થઈ જાય. ચીન આ ધાતુઓનું મોટામાં મોટું નિકાસકાર હોવાથી તેની આ ચાલથી વિશ્વના તમામ દેશોને અસર પડશે.metal war
કઈ ધાતુ કેવા કામમાં આવે છે?
1. ગેડોલિનિયમ
આ ધાતુનો ઉપયોગ ચુંબક બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સામાન અને ડેટા સ્ટોરેજ ઉપકરણોમાં પણ થાય છે. MRI સ્કેન કરતી વખતે ગેડોલિનિયમ કેન્સરગ્રસ્ત ગાંઠો શોધવામાં મદદ કરે છે. પરમાણુ રિએક્ટરમાં પણ તેની હાજરી જરૂરી છે.
2. ટર્બિયમ
આ ધાતુનો ઉપયોગ ઈલેક્ટ્રિક બલ્બ અને પારાના લેમ્પમાં થાય છે. તે એક્સ-રેને સલામત અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.
3. સમેરિયમ
આ ધાતુનો ઉપયોગ હેડફોન અને પર્સનલ સ્ટીરિયો જેવી વસ્તુઓમાં થાય છે. ઓપ્ટિકલ લેસર અને ન્યુક્લિયર રિએક્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે.
4- ડિસ્પ્રોસિયમ
આ ધાતુ પવનચક્કીઓ અને ઈલેક્ટ્રિક વાહનોમાં મજબૂત ચુંબક બનાવવા માટે વપરાય છે. તેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરના કન્ટ્રોલર રૉડમાં પણ થાય છે
5. સ્કેન્ડિયમ
આ ધાતુનો ઉપયોગ હલકી પણ મજબૂત વસ્તુઓ બનાવવા માટે થાય છે. ફાઈટર જેટ વિમાન, હાઈ-એન્ડ સાયકલ ફ્રેમ અને બેઝબોલ બેટ જેવી અનેક ચીજોને મજબૂતી આપવા માટે અને વજન ન વધે એ રીતે બનાવવા માટે આ ધાતુઓ ઉપયોગ થાય છે.
6. યટ્રીયમ
આ ધાતુનો ઉપયોગ એલઈડી લાઈટ, લેસર, કેમેરા લેન્સ અને સુપરકન્ડક્ટર બનાવવામાં થાય છે. તે કેન્સરની સારવારમાં પણ ખૂબ મદદરૂપ છે.
7. લ્યુટેટિયમ
આ ધાતુ તેલ સાફ કરવામાં મદદ કરે છે. તેલ રિફાઈનરીઓમાં હાઈડ્રોકાર્બનને તોડવા માટે તેનો ઉપયોગ થાય છે.
વેપાર યુદ્ધની નવીન નીતિ
ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી એવી દુર્લભ ધાતુઓની નિકાસ પર રોક લગાવીને ચીને અમેરિકા સહિત દુનિયાભરના દેશોનું નાક દબાવવાનો પેંતરો અજમાવ્યો છે, કેમ કે ચીન આ ધાતુઓનું સૌથી મોટું ઉત્પાદક છે અને એના વિના ફોન, વાહનો, ઈલેક્ટ્રિક ઉપકરણો, વિમાન, શસ્ત્રો જેવી કંઈકેટલીય ચીજોનું ઉત્પાદન કરવું મુશ્કેલ થઈ જાય છે. દુનિયાને પોતાની શરતો પર ચલાવવાની આ ચાલ ચાલીને ચીને વૈશ્વિક વેપાર યુદ્ધમાં પોતાની મહત્તા સાબિત કરી છે.
દુર્લભ ધાતુઓ અને ખનીજો અનિવાર્ય છે
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ખાતરી આપીને અમેરિકાએ યુક્રેન પાસેથી એની ભૂમિમાં રહેલા દુર્લભ ખનીજો હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગ્રીનલેન્ડને ગળી જવા પાછળ પણ અમેરિકાનો ડોળો ત્યાંના ખનીજ-સમૃદ્ધ પેટાળ પર જ છે. આના પરથી ખ્યાલ આવે છે કે આજે ખનીજો અને ધાતુઓની દુનિયાને કેટલી જરૂર છે. દરેક દેશ આવી ધાતુઓ અને ખનીજોનો સંગ્રહ કરીને આધુનિકતાની દોડમાં આગળ નીકળી જવા માંગે છે.
ચીન સૌથી મોટો ઉત્પાદક છે
દુર્લભ ધાતુઓની વાત આવે તો ચીન એનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. યુએસ જીઓલોજિકલ સર્વેના અહેવાલમાં જણાવાયું છે કે, 2024માં તેણે 2,70,000 ટન ધાતુઓનું ઉત્પાદન કર્યું. એની સરખામણીમાં અમેરિકાએ પાંચ ગણું ઓછું, ફક્ત 45,000 ટન ધાતુઓનું ઉત્પાદન કર્યું. ગયા વર્ષે વિશ્વમાં ઉત્પાદિત થયેલી બધી દુર્લભ ધાતુઓમાંથી 70 % એકલા ચીનની હતી.
અમેરિકાને ચીનની ગરજ છે
ચીન ધાતુઓ સમગ્ર વિશ્વમાં વેચીને મબલખ નાણાં કમાય છે. અમેરિકા તેની જરૂરિયાતોની 70 % ધાતુઓ ચીન પાસેથી જ ખરીદે છે. અમેરિકા મલેશિયા પાસેથી 13 %, જાપાન પાસેથી 6 % અને ઈસ્ટોનિયા પાસેથી 5 % ધાતુઓ ખરીદે છે. 2024માં અમેરિકાએ કુલ 170 મિલિયન ડોલરની કિંમતની ધાતુઓની આયાત કરી હતી.
ધાતુનું ઉત્પાદન બીજા દેશો પણ કરે તો છે, પણ…
ચીન ઉપરાંત બીજા દેશો પણ ઉપરોક્ત ધાતુઓનું ઉત્પાદન કરે છે, પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. 2024માં ભારતે 2,900 ટન દુર્લભ ધાતુઓનું ઉત્પાદન કર્યું હતું. તો ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં 13-13 હજાર ટન ઉત્પાદન થયું હતું. ચીનની સરખામણીમાં આ પ્રમાણ ઘણું ઓછું છે. તેથી ચીન જો ધાતુઓ વેચવાનું જ બંધ કરી દે તો અમેરિકાના ઉદ્યોગોને કેવા તાળાં વાગે? વિશ્વના બાકીના દેશો પણ અમેરિકાની ધાતુની જરૂરિયાત પૂરી કરી શકે એમ નથી. તેથી ચીનનું આ પગલું અમેરિકાના અર્થતંત્રને બહુ ખરાબ બૂચ મારી દે એમ બની શકે.
ભારત ફાયદો ઉઠાવી શકે એમ છે
ચીને જે પરિસ્થિતિ સર્જી છે એનો ફાયદો ભારત ઉઠાવી શકે એમ છે. એ માટે આપણે ખાણકામનું પ્રમાણ વધારવું પડે. એ તો થતું થશે, હાલ તો દુનિયા ચીનના આ પગલાંને કેવી રીતે હેન્ડલ કરે છે, એ જોવું રસપ્રદ રહેશે.