
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત-નેપાળ બોર્ડરને સીલ કરવામાં આવી છે. સરહદ પર બે મહિના માટે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બિહારથી નેપાળની 729 કિમીની સરહદ આવે છે. અહીંથી આવતી જતી દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. SSB જવાનોની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. હુમલાના સમાચારોને લઈને તમામ લોકો ભારતીય સેનાની કામીગીરી અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરે છે.
સરહદ પર 24 કલાક દેખરેખ
જિલ્લા પોલીસની સાથે એસએસબી જવાન બગાહાના વાલ્મીકિનગર, પૂર્વી ચંદપારણના રક્સૌલમાં દેખરેખ રાખી રહ્યાં છે. તેની સાથે સીતામઢીના બૈરગનીયાં અને ભીટ્ટામોડ, મધબનીના જયનગર, મગીધવાપુર અને લૌકહામાં પણ તપાસ વધારી દેવાઈ છે. અરરિયા અને કિશનગંજની બોર્ડર પર દિવસ-રાતની દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી પાકિસ્તાનની કે ગુપ્તચર એજન્સી ISIના અંડરકવર એજન્ટ્સ ચોરીછુપીથી નેપાળ સરહદેથી પ્રવેશી ન શકે.
બિહાર પોલીસમાં રજાઓ રદ્દ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે સતર્કતા વધારી દીધી છે. રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લેતા તાત્કાલિક રૂપે તમામ કર્મચારીઓ, પોલીસ તથા ઈમરજન્સી વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. આ આદેશથી ગંભીર સુરક્ષા સ્થિતિ તથા સંભવિત રીતે ગંભીર સ્થિતિને ઉભી થાય તે માટે યોગ્ય પગલાં લઈ શકાય.
તાત્કાલિક વિભાગ એલર્ટ પર
સરકારના અપર મુખ્ય સચિવ ડો. બી. રાજેન્દ્રા દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રાજ્યભરના કોઈ પણ સ્તરના સરકારી અથવા પોલીસ અધિકારીને રજા નહી અપાય. આ સાથે જ તાત્કાલિક (ઈમરજન્સી) વિભાગ જે કુદરતી અને માનવસર્જિત સ્થિતિઓમાં પહોંચી વળવા અગ્રણી ભૂમિકા ભજવે છે. તેવા તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર આ સમયે તમામ સતર્કતાની સાથે કોઈ પણ પ્રકારની સ્થિતિ પર નજર રાખી રહી છે.