
અમેરિકન સાંસદ બડી કાર્ટરે કહ્યું કે ટ્રમ્પના કારણે જ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ શક્ય બન્યો. તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને પત્ર લખીને ટ્રમ્પની ભૂમિકા વિશે જણાવ્યું.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં તેમની ભૂમિકા બદલ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. યુએસ હાઉસના પ્રતિનિધિ બડી કાર્ટરે નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને પત્ર લખીને મધ્ય પૂર્વ સંઘર્ષને ઉકેલવામાં ટ્રમ્પની ભૂમિકા વિશે જણાવ્યું છે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, કાર્ટરે કહ્યું, "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરી અને વિશ્વના સૌથી મોટા રાજ્ય-પ્રાયોજિત આતંકવાદી દેશને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવ્યો."
આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગ થઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં, યુએસ સાંસદ ડેરેલ ઇસાએ પણ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા હતા, જેમાં તેમની 2024ની ચૂંટણી જીતની વૈશ્વિક અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 12 દિવસ સુધી ચાલેલા સતત યુદ્ધ પછી, મંગળવારે (24 જૂન 2025) અમેરિકા અને કતારની મધ્યસ્થીથી યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા. ટ્રમ્પે કહ્યું, "બધાને અભિનંદન, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. ઈઝરાયલ અને ઈરાન લગભગ એકસાથે મારી પાસે આવ્યા અને શાંતિ માટે વિનંતી કરી. મને ખબર હતી કે સમય આવી ગયો છે. દુનિયા અને પશ્ચિમ એશિયા વાસ્તવિક વિજેતા છે.
પાકિસ્તાને પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ કરી છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારે નોર્વેમાં નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને ઔપચારિક રીતે એક પત્ર મોકલ્યો છે, જેમાં તાજેતરના ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન નિર્ણાયક રાજદ્વારી હસ્તક્ષેપ માટે અમેરિકન રાષ્ટ્રપતિને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવાની ભલામણ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વખત પોતાને આપ્યો છે. જોકે, ભારતે દરેક પ્રસંગે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને ઘણી વખત યુદ્ધવિરામની વિનંતી કરી, ત્યારબાદ ભારત યુદ્ધવિરામ માટે સંમત થયું.