
Flood in South africa: સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી આવેલા પૂરને લીધે ઓછામાં ઓછા 49 લોકો મોતને ભેટયા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તીવ્ર ઠંડીને લીધે દેશના કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ, જે બાદ આ વિનાશકારી પૂર આવ્યું હતું.
પૂરના પાણીમાં છ વિદ્યાર્થીઓ તણાયા
દક્ષિણ આફ્રિકામાંથી મળતી માહિતી અનુસાર, પૂરને લીધે મોતનો આંકડો વધી શકે છે. મૃતકોમાં છ વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જે મંગળવારે એક નદીની નજીક તેઓની સ્કૂલ બસ પૂરના પાણીમાં ફસાઈ જવાથી પાણીમાં તણાઈ ગયા હતા. ચાર અન્ય વિદ્યાર્થીઓ હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. મંગળવારે પૂરમાં સાત મોતની સરકારી અધિકારીએ જાણકારી આપી હતી. જે બાદ આ આંકડો સતત વધીને 49 થયો છે.
દક્ષિણ આફ્રિકા આફ્રિકન ખંડના દક્ષિણ છેડે આવેલું છે. તેને ઘણીવાર "એક દેશમાં વિશ્વ" કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની ત્રણ રાજધાની છે. પ્રિટોરિયા (વહીવટી રાજધાની), કેપટાઉન (વિધાનસભા રાજધાની) અને બ્લૂમફોન્ટેન (ન્યાયિક રાજધાની). દક્ષિણ આફ્રિકાની અંદાજિત વસ્તી 63થી 64 મિલિયનની વચ્ચે છે. તે આફ્રિકાના સૌથી વધુ વંશીય રીતે વૈવિધ્યસભર દેશોમાંનો એક છે. આફ્રિકન જાતિઓ ઉપરાંત, ઘણા એશિયન દેશોનાં લોકો પણ અહીં રહે છે, જેમાંથી ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, બે સૌથી વધુ બોલાતી પ્રથમ ભાષાઓ ઝુલુ અને ખોસા છે.