
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્રની પોલીસે ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર યોશિતા રાજપક્ષે (Yoshitha Rajapaksa arrested)ની શનિવારે પોલીસે મિલકત ખરીદી કેસમાં કથિત ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરી હતી. આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અચાનક ધરપકડથી શ્રીલંકાના સત્તાના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ બાદ હુથી વિદ્રોહીઓએ ૧૫૩ યુદ્ધ કેદીઓને મુક્ત કર્યા, UN કર્મચારીઓને બનાવ્યા બંધક
જણાવી દઈએ કે, મહિન્દા રાજપક્ષેનો પુત્ર પણ ભૂતકાળમાં નૌકાદળનો અધિકારી રહી ચૂક્યો છે. હવે તેની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી યોશિથાની તેના વતન બેલિયાટ્ટાથી ધરપકડ કરવામાં આવી હતી. 2015 પહેલા જ્યારે તેના પિતા રાષ્ટ્રપતિ હતા ત્યારે મિલકત ખરીદીમાં કથિત ગેરવર્તણૂંકની તપાસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. યોશિથા મહિન્દા રાજપક્ષેના ત્રણ પુત્રોમાં બીજા નંબરનો પુત્ર છે.
https://twitter.com/SriLankaTweet/status/1883012295162528183
યોશિતાના કાકાની પણ કરાઈ પૂછપરછ
ગત અઠવાડિયે પોલીસે આ જ કેસમાં યોશિતાના કાકા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની પણ પૂછપરછ કરી હતી. મહિન્દા રાજપક્ષેએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મૂળભૂત અધિકારોની અરજી દાખલ કરીને તેમની સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. સરકારે ગયા મહિને તેમની સુરક્ષામાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.