
અમેરિકાએ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવા માટે કરોડો રૂપિયાની આર્થિક મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમે બાંગ્લાદેશની સાથે ભારતને અપાતું મતદાન વધારવાનું ફંડ રદ કરી દીધુ છે. જોકે ટ્રમ્પનો આ દાવો અધુરો છે. અમેરિકાએ ભારતને વર્ષ 2022માં મળનારા ફંડને મંજૂર જ નહોતુ કર્યુ જ્યારે બીજી તરફ બાંગ્લાદેશને તે જ વર્ષે આ ફંડ આપી દેવાયું હતું જેનો ઉપયોગ બાદમાં ભારત સમર્થક શેખ હસીનાની સરકારને ઉથલાવવા માટે થયો હતો અને સત્તા કટ્ટરવાદી મોહમ્મદ યુનુસના હાથમાં જતી રહી હતી.
તાજેતરમાં ઇલોન મસ્કની આગેવાનીમાં અમેરિકાના વિભાગ ડોજે ભારતને 21 મિલિયન ડોલરની સહાય રદ કરી હોવાના અહેવાલો અમેરિકી સરકાર દ્વારા જાહેર કરાયા હતા, જોકે એક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે આ 21 મિલિયન ડોલરની સહાય ખરેખર બાંગ્લાદેશ માટે હતી ભારત માટે નહોતી. રિપોર્ટ મુજબ વર્ષ 2022માં જો બાઇડેનની સરકારના શાસનમાં 21 મિલિયન ડોલરની રકમ બાંગ્લાદેશને ફાળવી દેવાઇ હતી, એટલે કે આ રૂપિયા બાંગ્લાદેશ પહોંચી ગયા હતા. અમેરિકાના આ 21 મિલિયન ડોલરમાંથી 13.4 મિલિયન ડોલર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના શેખ હસીના સામેના રાજકારણ કે બળવા પાછળ ખર્ચ કરી દેવાયા હતા, જ્યારે અન્ય નાણાનો ખર્ચો વર્ષ 2024ની ચૂંટણી પહેલાની યોજનાઓ માટે થયો હતો.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શેખ હસીના સામે અચાનક જ વિદ્યાર્થીઓએ હિંસક વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા અને સંસદમાં ઘૂસી ગયા હતા. આ હિંસામાં અનેક લોકો માર્યા ગયા હતા. જીવ બચાવવા માટે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. બાદમાં મોહમ્મદ યુનુસની આગેવાનીમાં વચગાળાની સરકાર બની હતી અને આ દરમિયાન અનેક હિન્દુઓ પર હુમલા થયા હતા.
અમેરિકાના ફંડ મુદ્દે ભારતમાં પણ વિવાદ
અમેરિકાના ફંડને લઇને ભારતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર ફંડનો ઉપયોગ એકબીજાની સામે કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014માં કોંગ્રેસની સરકાર ઉથલાવવા માટે ભાજપે વિદેશી ફંડનો ઉપયોગ કર્યો હતો જ્યારે ભાજપે પણ આ જ પ્રકારનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે.
ભારતને મળેલા અમેરિકી ફંડમાંથી 44 ટકા ભાજપ જ્યારે 41 ટકા કોંગ્રેસના શાસનમાં આવ્યું
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતને 21 મિલિયન ડોલરની મદદ મળતી હતી જેને રદ કરી દેવાઇ છે. જોકે આ દાવો જૂઠો સાબિત થઇ રહ્યો છે. વર્ષ 2008થી 2024 દરમિયાન બાંગ્લાદેશમાં ચૂંટણી માટે અમેરિકાએ 23.6 મિલિયન ડોલર આપ્યા હતા. જોકે ભારતમાં વર્ષ 2013થી 2018 દરમિયાન બાંગ્લાદેશને મળેલી રકમની અડધી રકમ પણ નહોતી અપાઇ. અમેરિકન સરકારની વેબસાઇટ યુએસ ફોરેન અસિસ્ટન્સ પર ભારત-બાંગ્લાદેશને અપાયેલા ફંડના આંકડા છે. જે મુજબ વર્ષ 2001થી 2024 ભારતને કૂલ 2.9 બિલિયન ડોલર મળ્યા છે. એટલે કે વર્ષે સરેરાશ 119 મિલિયન ડોલર અપાયા છે. આશરે 1.3 બિલિયન ડોલર એટલે કે ભારતને મળેલા કૂલ ફંડની 44 ટકા રકમ વર્ષ 2014થી 2024 દરમિયાન ભાજપની NDA સરકાર દરમિયાન મળી જ્યારે કોંગ્રેસની યુપીએ સરકારના વર્ષ 2004થી 2013 સુધીના શાસન દરમિયાન ભારતને 1.2 બિલિયન એટલે કે કૂલ ફંડના 41.3 ટકા રકમ મળી હતી. અમેરિકાએ જેટલા ફંડની મદદ કરી હતી તેમાંથી અડધી રકમ માત્ર છેલ્લા ચાર વર્ષમાં ભારતને મળી હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે. જોકે, આ ફંડ યુએસએઇડના પ્રોગ્રામ હેઠળ મળ્યું હતું જેમાં સૌથી વધુ 2.9 બિલિયન ડોલર સ્વાસ્થ્ય અને વસ્તી સેક્ટરને મળ્યા હતા.