
અફઘાન તાલિબાન સરકારમાં ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હક્કાની અફઘાનિસ્તાનના હક્કાની નેટવર્કનો ચીફ છે અને અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દજાદા સાથે વધતા મતભેદોને કારણે હક્કાનીએ આ નિર્ણય લીધો છે. સિરાજુદ્દીન હક્કાની સોવિયત વિરોધી મુજાહિદ્દીન કમાન્ડર જલાઉદ્દીન હક્કાનીનો પુત્ર છે.
આ પહેલા તાલિબાન સુપ્રીમો હૈબતુલ્લા સાથેના વિવાદ બાદ હક્કાની યુએઈ અને સાઉદી અરેબિયાના પ્રવાસે ગયો હતો. લગભગ 50 દિવસ સુધી તે પાછો આવ્યો ન હતો. હક્કાની તાજેતરમાં જ પરત ફર્યા હતા ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન ચીફ દ્વારા હક્કાનીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
તાલિબાન સરકારની નીતિઓ પર મતભેદ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હક્કાનીએ સરકારની નીતિઓ, ખાસ કરીને મહિલા શિક્ષણ, વિદેશ નીતિ અને શાસન પ્રણાલીને લઈને અસહમતિ વ્યક્ત કરી હતી. હાલમાં જ તે સારવાર માટે વિદેશ ગયો હતો અને થોડા સમય પહેલા કાબુલ પાછો ફર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના નજીકના વર્તુળોમાં અસંતોષના સમાચાર પહેલાથી જ ચર્ચામાં હતા.
અખુન્દઝાદાની કડક નીતિઓથી હક્કાની જૂથ નાખુશ છે
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ જૂથો વચ્ચે મતભેદો સતત સામે આવી રહ્યા છે. હકીકતમાં, હક્કાની જૂથ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અખુંદઝાદાની કડક નીતિઓથી ખુશ નથી. મહિલા શિક્ષણ પરના નિયંત્રણો, આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રત્યે કઠોર અભિગમ અને આંતરિક શાસન વ્યૂહરચનાઓને કારણે નેતૃત્વમાં તિરાડ ઊંડી બની રહી છે.
એવું કહેવાય છે કે અખુંદઝાદાનું શાસન અત્યંત કટ્ટરવાદી અને કડક ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે, જ્યારે હક્કાની જૂથ પ્રમાણમાં વ્યવહારિક અભિગમ અપનાવવાના પક્ષમાં છે. હક્કાની અને તેના સમર્થકો માને છે કે મહિલા શિક્ષણ અને વિદેશ નીતિમાં મધ્યસ્થતા દ્વારા તાલિબાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખી શકાય છે. પરંતુ અખુંદઝાદા આ ફેરફારોનો સખત વિરોધ કરે છે.