
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસમાં અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન આર્મી હાઇજેક સાથે જોડાયેલ ઓપરેશન સમાપ્ત કરવાની વાત કરી રહ્યું છે જ્યારે બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો કે પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે. પાકિસ્તાને ટ્રેન હાઇજેકનો આરોપ ભારત પર લગાવ્યો હતો. ભારતે હવે પાકિસ્તાનને તેની ભાષામાં જ જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ
ભારતે પાકિસ્તાનના વિદેશ કાર્યાલય દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે જાફર એક્સપ્રેસ હુમલામાં ભારતનો હાથ હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવીએ છીએ. પુરી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે.ભારતે વધુમાં કહ્યું કે પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓ માટે બીજાઓ પર આંગળી ચીંધવા અને દોષારોપણ કરવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ."
https://twitter.com/MEAIndia/status/1900387522066186696
પાકિસ્તાને ભારત પર ટ્રેન હાઇજેકમાં હાથ હોવાનો લગાવ્યો હતો આરોપ
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને દાવો કર્યો હતો કે જાફર એક્સપ્રેસ પર હુમલામાં સામેલ વિદ્રોહી અફઘાનિસ્તાનમાં રહેલા સરગનાઓના સંપર્કમાં છે. ભારત પણ પાકિસ્તાનમાં આતંકવાદમાં સામેલ રહ્યું છે. જાફર એક્સપ્રેસ પર વિશેષ હુમલામાં આતંકવાદી અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના આકાઓ અને સરગનાઓના સંપર્કમાં હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ સરહદ પર સતત અથડામણ અને ઇસ્લામાબાદના દાવાને કારણે તણાવપૂર્ણ બની ગયા છે.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે પણ ભારત વિરૂદ્ધ પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા અને વિદ્રોહીઓના ટ્રેન હાઇજેકમાં પોતાની નિષ્ફળતા છુપાવવા કહ્યું હતું કે બલૂચ વિદ્રોહીઓને ભારતનું સમર્થન મળી રહ્યું છે.
બલૂચિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરવામાં આવી હતી
મહત્ત્વપૂર્ણ છે કે 11 માર્ચે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં વિદ્રોહી જૂથ બલોચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી હતી. ટ્રેનમાં 400થી વધુ મુસાફર સવાર હતા જેમાં મોટાભાગના સેનાના સિપાહી અથવા પોલીસ અથવા ISI સાથે જોડાયેલા સુરક્ષાકર્મી હતા.