Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતની કૂટનીતિક કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. આ વચ્ચે પાકિસ્તાનના સૂચના મંત્રી અતાતુલ્લાહ તરારે દાવો કર્યો કે ભારત આગામી 24થી 36 કલાકની અંદર પાકિસ્તાનની અંદર સૈન્ય કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે.
પાકિસ્તાનમાં ડરનો માહોલ
શાહબાઝ સરકારના મંત્રી અતાતુલ્લાહ તરારે એક એક્સ પોસ્ટમાં કહ્યું, 'પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત જાણકારી છે કે ભારત પહેલગામ ઘટનામાં પાયાવિહોણા આરોપોના બહાને 24થી 36 કલાકમાં પાકિસ્તાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો ઇરાદો ધરાવે છે.' પાકિસ્તાનને આતંકવાદનો શિકાર ગણાવતા તરારે કહ્યું કે દુનિયામાં તમામ જગ્યાએ તેમને તેની નિંદા કરી છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહેલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પાકિસ્તાની મંત્રીએ વધુમાં કહ્યું,'પાકિસ્તાને કહ્યું કે ભારત દ્વારા કોઈપણ લશ્કરી સાહસનો જવાબ આપવામાં આવશે.' આંતરરાષ્ટ્રીય સમુદાયે એ વાસ્તવિકતાથી વાકેફ રહેવું જોઈએ કે વધતા તણાવ અને તેના પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે ભારત પર રહેશે.
પહેલગામમાં આતંકી હુમલા બાદ વધ્યો તણાવ
પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ભારતે આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાનો ઇશારો કર્યો છે. જોકે, ઇસ્લામાબાદે કોઇ પણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે. ભારતે કેટલાક કડક પગલા ભર્યા છે જેમાં પાકિસ્તાની નાગરિકોને પરત તેમના દેશ મોકલવા અને સિંધુ જળ સંધિ સમજૂતિ રદ કરવી સામેલ છે.