
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 8 દિવસ સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યું છે. એવામાં ભારતે બંને દેશોમાંથી પોતાના નાગરિકોને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આજે ઈરાને ભારતીય નાગરિકોની મદદ માટે પોતાનું એરસ્પેસ ખોલવાની મંજૂરી આપી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી ઈરાને પોતાનો એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કર્યો હતો. જોકે ભારતના 1 હજાર વિદ્યાર્થીઓ માટે એરસ્પેસ ખોલવામાં આવ્યો છે.
ભારતે ઈરાનમાંથી પોતાના નાગરિકોને બચાવવા માટે ઓપરેશન સિંધુ હાથ ધર્યું હતું. જેના ભાગરૂપે ભારતીય એમ્બેસી દક્ષિણ ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પાછા લાવવામાં સફળ રહી છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કાશ્મીરી હતાં.
આજે રાત્રે તેહરાનથી દિલ્હી પરત ફરશે
ઈરાને માત્ર ભારત માટે પોતાની એરસ્પેસ ખુલ્લો મુક્યો છે. આજે રાત્રે તેહરાનના મશાદથી 1000 વિદ્યાર્થીઓ દિલ્હી પરત ફરશે. ઈરાનના આ પગલાંથી તેહરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વાપસી સુનિશ્ચિત થઈ છે. પહેલી ફ્લાઈટ આજે રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી પહોંચશે. બીજી અને ત્રીજી ફ્લાઈટ શનિવારે આવશે.
2025ની શરૂઆત સુધી ભારત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈરાનમાં કુલ લગભગ 10,000 ભારતીય નાગરિક ઉપસ્થિત હતા. જેમાં 6000 વિદ્યાર્થી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કુલ 10320 ભારતીય અને 445 ભારતીય મૂળના અન્ય લોકો ઈરાનમાં વસી રહ્યા છે. અર્થાત ઈરાનમાં કુલ 10765 ભારતીયો છે.
જો ત્રીજા દેશની એન્ટ્રી થઈ તો…
ઈરાનના દૂતાવાસના નાયબ વડા મોહમ્મદ જાવેદ હુસૈનીએ જણાવ્યું કે, અત્યારસુધી એવો કોઈ પુરાવો મળ્યો નથી કે, ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. તેમ છતાં કારણ વિના હુમલા થઈ રહ્યા છે. આ જંગમાં જો કોઈ ત્રીજા દેશની એન્ટ્રી થઈ તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે. ઈરાનને આત્મરક્ષાનો અધિકાર છે. આ અધિકાર હેઠળ અમે જવાબ આપી રહ્યા છીએ.