
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં અમેરિકાના કૂદવાની અકળો વચ્ચે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇએ કહ્યું કે તેમનો દેશ કોઇ પણ કિંમતે સરેન્ડર નહીં કરે. નેશનલ ટેલિવિઝન પર ખામેનેઇએ દેશના નામે રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે ઇરાન આત્મસર્મપણ નહીં કરે. ઇરાનની જનતા પોતાના શહીદોના લોહીને ક્યારેય નહીં ભૂલે. દેશની હવાઇ સરહદનું ઉલ્લંઘન કરનારાઓને ક્યારેય માફ નહીં કરવામાં આવે.
ખામેનેઇએ અમેરિકાને આપી ધમકી
ખામેનેઇએ એમ પણ કહ્યું કે જો અમેરિકાએ ઇસ્લામી ગણરાજ્યના દુશ્મનોનો સાથ આપ્યો તો તેને પણ ગંભીર પરિણામ ભોગવવા પડશે. ખામેનેઇએ કહ્યું, "અમેરિકનોએ જાણવું જોઈએ કે અમેરિકા દ્વારા કોઈપણ લશ્કરી હસ્તક્ષેપથી તેમને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે."
https://twitter.com/In_khamenei/status/1935299083175854169
બિનશરતી સરેન્ડર કરો- ટ્રમ્પ
એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપી હતી કે તેઓ જાણે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. એક પોસ્ટમાં, ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ખામેનીને મારવાની તેમની "કોઈ યોજના નથી".
મહત્ત્વપૂર્ણ છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમેરિકા ઈરાનને ઝૂકાવવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ ઈરાન આત્મસમર્પણ કરવા ટસનું મસ થઈ રહ્યુ નથી. ઈરાનના આ વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકાએ યુરોપમાં આશરે 30 ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.