
ઇરાને ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇરાનને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલ હવે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં પીએમ નેતન્યાહુ તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલયમાં સુરક્ષા વડાઓને મળી રહ્યા છે. આ સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં ઈરાન પર ભીષણ હુમલો કરી શકે છે.
ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આજે તેલ અવીવમાં સુરક્ષા વડાઓ સાથે વાતચીત કરી હતી. એક અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા હતું કે, ઈઝરાયલ બુધવારે ઈરાને કરેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ ઈરાનના ગેસ અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરીને અથવા તો ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી તેનો નાશ કરી શકે છે. ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી શકે છે.
ઈરાને મોટી કિંમત ચૂકવવી પડશે
ઈઝરાયલ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, 'ઈરાનનો ઈઝરાયલ પર મિસાઈલ હુમલો નિષ્ફળ ગયો છે. અને હવે તેમને અમારી જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઈરાને કરેલી આ ભૂલની મોટી કિંમત ચૂકવવી પડશે.'