
પેલેસ્ટાઇનના શહેર ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધ પર વિરામ લાગી ગયો છે. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે એક એક્સ પોસ્ટમાં જણાવ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થયું છે. નેતન્યાહૂની ઓફિસે જણાવ્યું કે યુદ્ધ વિરામ ત્રણ કલાક મોડુ લાગું થયું છે કારણ કે હમાસે બંધકોની યાદી સોપવામાં મોડુ કર્યું હતું. પીએમ નેતન્યાહૂએ પણ એક એક્સ પોસ્ટમાં જણાવ્યું કે ઇઝરાયેલને બંધકોની યાદી મળી ગઈ છે અને તેની સિક્યુરિટી તપાસ કરવામાં આવી રહી છે.
હમાસે ઇઝરાયેલને સોપ્યા ત્રણ બંધકોના નામ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ પર રોક લગાવવાના રસ્તા શોધવા માટે યુદ્ધવિરામ પર સમજૂતિ થઇ છે, તેને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. સમજૂતિ અનુસાર, પ્રથમ તબક્કો 42 દિવસનો હશે અને આ દરમિયાન બંધકોને છોડવામાં આવશે. 33 ઇઝરાયેલી નાગરિક હજુ પણ હમાસની કેદમાં છે જેમાંથી રવિવારે ત્રણ બંધકોને છોડવામાં આવશે જેમના નામ હમાસે ઇઝરાયેલને સોપ્યા છે.
યુદ્ધવિરામ ત્રણ કલાક મોડુ લાગુ થયું
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ પર યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો રવિવાર સવારે 8.30 વાગ્યાથી લાગુ થવાનો હતો. ઇઝરાયેલી મીડિયા અનુસાર, હમાસે બંધકોની યાદી આપવામાં મોડુ કરતા તેને 11.15 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો. પ્રથમ દિવસે ત્રણ મહિલા બંધકોને છોડવામાં આવશે. આ પહેલા ઇઝરાયેલી સેનાએ ગાઝામાં પોતાના અંતિમ તબક્કાનો બોમ્બમારો કર્યો હતો અને દાવો કર્યો હતો કે હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.
7 ઓક્ટોબરે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા બંધક
હમાસની કસ્ટડીમાંથી છુટનારા એક બંધકમાં રોમી ગોનેન પણ સામેલ છે. એક ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં તેના ભાઇએ જણાવ્યું કે તેમની બહેન પણ આજે છોડવામાં આવનાર બંધકોની યાદીમાં સામેલ છે, તેને નોવા ફેસ્ટિવલમાંથી હમાસના લડાકાઓએ 7 ઓક્ટોબરે બંધક બનાવી લીધા હતા. કહેવામાં આવે છે કે તે દિવસે તેમના ત્રણ મિત્ર માર્યા ગયા હતા.
યુદ્ધવિરામ લાગુ થતા જ નેતન્યાહૂના સહયોગીઓએ સાથ છોડ્યો
ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થયા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સરકારના ત્રણ સહયોગીઓએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. તે ફાર-રાઇટ પાર્ટી Otzma Yehudit પાર્ટીના સભ્ય હતા. પાર્ટી તરફથી એક નિવેદનમાં જણાવ્યું કે તેમની પાર્ટી હવે સરકારનો ભાગ નહીં હોય. આ પાર્ટીના નેતા ઇતામાર બેન ગ્વિર નેતન્યાહૂ સરકારમાં નેશનલ સિક્યુરિટી મંત્રી હતા, તેમનું માનવું છે કે ઇઝરાયેલે યુદ્ધવિરામ પર સમજૂતિ કરીને હમાસ સામે ઘૂંટણા ટેકી દીધા છે.