
ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં ભારે તબાહી મચાવી છે. શુક્રવારે સવારે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયા પ્રવાસ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ હુમલાઓ થયા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝામાં 64 લોકોનાં મોત થયા છે. 48 મૃતદેહોને ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને 16ને નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શુક્રવારે રાતથી સવાર સુધી આ હુમલાઓમાં દેઇર અલ-બલાહ અને ખાન યુનિસ શહેરની બહારના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા એવા સમયે થયા જ્યારે ટ્રમ્પ ખાડી દેશોનો પ્રવાસે હતા. જોકે, તેમણે ઇઝરાયલની મુલાકાત લીધી ન હતી.
હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં એક અંદાજ મુજબ 64 નહીં પરંતુ ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
અનેક લોકો ઈજાગ્રસ્ત, 93ના મોત થયાની પુષ્ટી
મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઈન્ડોનેશિયન હોસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. જ્યારે ઈજાગ્રસ્તો અને બચાવ કર્મચારીઓએ કહ્યું કે, અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે.
ત્રણ દિવસમાં 217ના મોત
ઈઝરાયલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે (15 મે) ભયાનક હુમલા કર્યા હતા, જેમાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બુધવારે (14 મે) ઉત્તર અને દક્ષિમ ગાઝામાં કરાયેલા હુમલામાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા હતા.
ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 53000 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, સાત ઓક્ટોબર-2023ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી 1200 લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 53,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.