
Kuwait's new crown prince : કુવૈતની ન્યૂઝ એજન્સી કુના અનુસાર કુવૈતના અમીરે શનિવારે 71 વર્ષીય શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહને કુવૈતના નવા ક્રાઉન પ્રિન્સ તરીકે નિયુક્ત કર્યા છે. કુવૈતના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ વિદેશપ્રધાન છે. કુવૈતમાં ક્રાઉન પ્રિન્સનું પદ વડાપ્રધાન કરતા ઉપર હોય છે.
કુવૈતમાં પરંપરાગત રીતે, ક્રાઉન પ્રિન્સ અલ-જાબેર અને અલ-સાલેમ શાખાઓમાંથી પસંદ કરવામાં આવે છે. અલ-સબાહ પરિવારની મુબારક લાઇનની અલ-હમદ શાખામાંથી ક્રાઉન પ્રિન્સ પસંદ કરવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
આ ઉપરાંત તેમના પિતા અમીરનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહને કુવૈતના નવા ક્રાઉન પ્રિન્સ બનવવામાં આવ્યાછે, જે પણ પહેલીવાર બન્યું છે.
કોણ છે શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહ?
શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહ પાસે ચાર દાયકાનો રાજકીય અનુભવ છે. તેઓ રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. આ પહેલા તેઓ 2019 થી 2022 સુધી કુવૈતના વડાપ્રધાન પદ પર હતા. તેમણે 1978માં વિદેશ મંત્રાલયમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1983-1989 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં કુવૈતના કાયમી મિશનના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. 1998 થી 2006 સુધી, તેઓ કુવૈતના રાષ્ટ્રીય સુરક્ષાના વડા હતા. 2011-2019 સુધી, તેમણે કુવૈતના વિદેશ પ્રધાનનું પદ સંભાળ્યું.
કુવૈતમાં હાલ રાજકીય અસ્થિરતા
કુવૈતમાં હાલના સમયમાં રાજકીય અસ્થિરતા છે. થોડા મહિના પહેલા જ કુવૈતના અમીરે ત્યાંની સંસદ ભંગ કરીને બંધારણને રદ્દ કરી દીધું હતું. તેમણે આ પગલું નિયુક્ત સરકારી સભ્યો અને ચૂંટાયેલા સાંસદો વચ્ચેના મતભેદોને ઘટાડવા માટે લીધું હતું.
2020થી કુવૈતમાં ચાર સંસદીય ચૂંટણીઓ યોજાઈ છે. એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષે સંસદ પર કબજો જમાવ્યો હતો. સંસદ ભંગ કરવાનો નિર્ણય અમીરે રાજકીય સ્થિરતા બનાવવા માટે લીધો હતો.
શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહને ક્રાઉન પ્રિન્સ બનાવવો એ ખૂબ જ ઇરાદાપૂર્વકની વ્યૂહરચના છે. તેમના રાજકીય અનુભવને કારણે તેમની પસંદગી કરવામાં આવી છે જેથી તેઓ દેશમાં રાજકીય સ્થિરતા લાવી શકે.