
સાઉદી અરેબિયામાં આ વર્ષે 100થી વધુ વિદેશીઓને ફાંસી આપવામાં આવી છે. ખાનગી સમાચાર એજન્સીએ એક માનવાધિકાર સંગઠનને ટાંકીને આ માહિતી આપી છે. આ આંકડો છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ લગભગ ત્રણ ગણો વધારે છે. શનિવારે, નઝરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક યમન નાગરિકને ડ્રગની દાણચોરીના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી આ વર્ષે મૃત્યુદંડની સજા પામેલા વિદેશીઓની કુલ સંખ્યા વધીને 101 થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ '10 ગાળો બોલો પછી જ જવા દઇશું', પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ નવો ખુલાસો
ફાંસીની સજા બાબતે ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે
સાઉદી અરેબિયાએ વર્ષ 2022 અને 2023માં 34 વિદેશી નાગરિકોને મોતની સજા સંભળાવી છે. યુરોપીયન-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ, ESOHR ના કાનૂની નિર્દેશક તાહા અલ-હાજીએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાએ એક વર્ષમાં આટલા વિદેશીઓને ફાંસી આપી હોય તેવું પહેલીવાર બન્યું છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે ફાંસીની સજાની બાબતમાં ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે છે.
આ દેશોના નાગરિકોને ફાંસીની સજા
જે વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી છે તેમાં પાકિસ્તાન, યમન, સીરિયા, નાઈજીરિયા, ઈજિપ્ત, જોર્ડન અને ઈથોપિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઈજીરિયાના 10, ઈજીપ્તના નવ, જોર્ડનના આઠ અને ઈથોપિયાના સાતનો સમાવેશ થાય છે. સુદાન, ભારત અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને શ્રીલંકા, એરિટ્રિયા અને ફિલિપાઈન્સના એક-એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી ચૂકી છે.
રાજદ્વારીઓ અને કાર્યકરો કહે છે કે, વિદેશી પ્રતિવાદીઓની ન્યાયી સુનાવણી થઈ શકતી નથી. અને દોષિત વિદેશી નાગરિકો મોટા ડ્રગ ડીલરોનો શિકાર બને છે. ધરપકડના સમયથી લઈને ફાંસી સુધી આરોપીઓને કોર્ટમાં પોતાની વાત રાખવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.