
ઈઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતમાં હુમલો કરી હિજબુલ્લાહ ના ચીફ નસરલ્લાહને મારી નાંખ્યા પછી મધ્ય-પૂર્વમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. યમનના હુથી બળવાખોરોએ બદલો લેવાની ધમકી આપતા ઈઝરાયેલે રવિવારે યમનમાં હુથી બળવાખોરો પર ભયાનક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલેે લેબનોનમાં પણ 45 આતંકી સ્થળો પર હવાઈ હુમલા કરતા 24 લોકો માર્યા ગયા. આ બધા વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાનના ધાર્મિક નેતા ખામનેઈને ધમકી આપતા કહ્યું કે, અમે ઈરાન સહિત સમગ્ર મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં હુમલા કરવા સક્ષમ છીએ.
હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયેલ વિરુદ્ધ શરૂ કરેલો સંઘર્ષ હવે યહુદી દેશની ચારે બાજુ ફેલાઈ ગયો છે. ગાઝાને ખેદાન-મેદાન કરી હમાસનો સફાયો કર્યા પછી ઈઝરાયેલે લેબનોનમાં હીજબુલ્લાહ આતંકી સંગઠનને ખતમ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. લેબનોનના બૈરુતમાં હિજબુલ્લાહ ના ચીફ નસરલ્લાહને મારી નાંખ્યા પછી ઈઝરાયેલે દક્ષિણ લેબનોનના કફરા ક્ષેત્રમાં હિજબુલ્લાહ સંબંધિત 45 આતંકી સ્થળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા, જેમાં હિજબુલ્લાહ ના ટોચના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.
IDFએ હિજબુલ્લાહના પ્રિવેન્ટિવ સિક્યોરિટી યુનિટના કમાન્ડર અને હિજબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય આતંકી નબીલ કાવેકને મારી નાંખ્યો છે. IDFએ જે સ્થળો પર હુમલો કર્યો ત્યાં હથિયારોનો સંગ્રહ કરાયો હતો અને હિજબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. IDFએ કહ્યું કે તે લેબનોનમાં હિજબુલ્લાહ સાથે સંકળાયેલા આતંકી સ્થળો પર હુમલા કરવાનું ચાલુ રાખશે. મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયેલે લેબનોનની સરહદે હિજબુલ્લાહના સ્થળોનો નાશ કરવા માટે 'સીમા ઓપરેશન' શરૂ કર્યું છે.
બીજીબાજુ હિજબુલ્લાહના ચીફ નસરલ્લાહની મોતનો બદલો લેવાની ધમકી આપનારા યમનના હુથી બળવાખોરોને પણ ઈઝરાયેલે નિશાન બનાવ્યા હતા. આઈડીએફે રવિવારે યમનના હોદેઈદાહ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ માનવામાં આવે છે કે હુથી બળવાખોરોને નિશાન બનાવી આ હુમલા કરાયા હતા. ઈઝરાયેલના સૈન્યે યમનમાં વીજળી સંયંત્ર અને ઓઈલ સુવિધાઓને નિશાન બનાવાયા હતા.
દરમિયાન નસરલ્લાહની મોત પછી હિજબુલ્લાહે તેના સંબંધિ હાશિમ સફીદ્દિનને સંગઠનનો નવો પ્રમુખ જાહેર કર્યો છે. જોકે, ઈઝરાયેલે લેબનોન પર સતત હુમલા કરવાનું ચાલુ રાખતા 10 લાખ લોકો વિસ્થાપિત થયા હોવાનું માનવામાં આવે છે. બૈરુતમાં લેબનોન સરકારની કેબિનેટની ઈમર્જન્સી બેઠકમાં જણાવાયું હતું કે બૈકામાંથી મોટી સંખ્યામાં લોકો ઘરબાર છોડી ભાગી રહ્યા છે.
બીજીબાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામનેઈને ચેતવણી આપતા રવિવારે જણાવ્યું હતું કે, બૈરુતમાં નસરલ્લાહની મોત સ્પષ્ટ સંકેત આપે છે કે ઈઝરાયેલની પહોંચ ઈરાન સહિત સંપૂર્ણ મધ્ય-પૂર્વ ક્ષેત્ર પર છે. ઈરાન અથવા મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલની લાંબી ભુજાઓની પહોંચથી બહાર કોઈ જગ્યા નથી. અયાતુલ્લા ખામનેઈના શાસનને હું કહું છું કે જે કોઈપણ અમને હરાવવા માગશે તેને અમે પહેલાં જ ખતમ કરી દઈશું.
ઈઝરાયેલે આતંકી સંગઠન હિજબુલ્લાહના વડા નસરલ્લાહને મારવા માટે બૈરુત પર કેટલીક મિનિટોમાં જ 80 થી વધુ બોમ્બ ફેંક્યા હતા. આ હુમલામાં ઈઝરાયેલે હિજબુલ્લાહનું મુખ્યાલય ઉડાવી દીધું હતું. મુખ્યાલયના કાટમાળમાંથી નસરલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. અગાઉ જણાવાયું હતું કે આ હુમલામાં એક કપાયેલી આંગળી પર વીંટીના આધારે નસરલ્લાહની ઓળખ કરાઈ હતી. જોકે, હવે હિજબુલ્લાહે જણાવ્યું છે કે નસરલ્લાહના શરીર પર ઈજાનું કોઈ નિશાન નથી. એવામાં તેનું મોત કેવી રીતે થયું તે રહસ્ય છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે હુમલા પછી શ્વાસ રુંધાઈ જવાથી અથવા ટ્રોમાના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા છે.