
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવાના ભારતના કડક પગલાં બાદ પાકિસ્તાનના PM શેહબાઝ શરીફે ગુરુવારે અગ્રણી મંત્રીઓ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક યોજી હતી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી. પાકિસ્તાને શિમલા સમજૂતિથી હટી જવાની ધમકી આપી છે.
પીએમ શાહબાઝ શરીફે પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવા કહ્યું. પાકિસ્તાને સિંધુ જળ સંધિ રદ કરવાના નિર્ણયને યુદ્ધની ઘોષણા ગણાવી હતી. પાકિસ્તાની સેનાની રજાઓ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ઇસ્લામાબાદે શીખ યાત્રાળુઓ સિવાય ભારતીયો માટે સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ વિઝા સ્થગિત કરી દીધા છે. પાકિસ્તાને ભારત સાથેના 'બધા વેપાર' સ્થગિત કરી દીધા છે, જેમાં ત્રીજા દેશો દ્વારા થતા વેપારનો પણ સમાવેશ થાય છે.
સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને અસ્વિકાર કર્યો
NSCની બેઠક પછી પાકિસ્તાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ ખતરોનો સામનો તમામ ક્ષેત્રોમાં કડક જવાબી પગલાં સાથે કરવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને નકારી કાઢતા કહ્યું કે, તે 24 કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે.
ભારતે કોઈ પુરાવા નથી આપ્યા- પાકિસ્તાની નાયબ વડાપ્રધાન
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા ભારતના અભિગમની ટીકા કરતા તેને ઉતાવળિયું ગણાવ્યું હતું. "ભારતે કોઈ પુરાવા આપ્યા નથી. ઘટના પછી તરત જ તેઓએ તેને વધુ પડતી ગંભીર બતાવવાનું શરૂ કર્યું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે એક અલગ નિવેદનમાં જાનમાલના નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું.
પહેલગામ આતંકવાદી હુમલા અને સરહદ પારના સંબંધોને પગલે ભારતે બુધવારે 1960 ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડાની જાહેરાત કરી હતી.
ભારતે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લીધા
પહેલગામ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. CCS બેઠક બાદ લેવામાં આવેલા નિર્ણયમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ, 2025થી રદ કરવામાં આવશે. પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ, 2025 સુધી માન્ય ગણાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોએ તેમના સુધારેલા વિઝાની સમાપ્તિ પહેલાં ભારત છોડવું પડશે.