
અમેરિકામાં બેરિંગ એરની 10 લોકોને લઈને ટેકઓફ થયેલી એક ફ્લાઇટ પાયલોટ બેભાન થતાં ગુરુવારે બપોરે અલાસ્કાના નોમ નજીક ગુમ થઈ ગઈ છે. અલાસ્કાના ઉનાલકલીટ શહેરથી બપોરે 2:37 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભર્યા પછી વિમાન બપોરે 3:16 વાગ્યે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડરના ડેટા પરથી મેળવવામાં આવી છે.
ગુમ થયેલ વિમાન સેસના 208B ગ્રાન્ડ કારવાં હતું, જેમાં પાઇલટ સહિત કુલ 10 લોકો સવાર હતા.અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીને ટાંકીને જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે. તે નોમ અને વ્હાઇટ માઉન્ટેન્સના સ્થાનિક લોકોની મદદથી જમીની શોધ ચલાવી રહ્યું છે. જોકે, ખરાબ હવામાનને કારણે હવાઈ શોધ હાલ પૂરતી અટકાવવામાં આવી છે.
નાના ટર્બોપ્રોપ સેસ્ના કારવાં વિમાનમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાં 9 મુસાફરો અને 1 પાયલોટનો સમાવેશ થાય છે. એજન્સીએ તેની વેબસાઇટ પર આ માહિતી આપી અને કહ્યું કે ટીમો વિમાનનું છેલ્લું સ્થાન શોધવાનો પ્રયાસ કરી રહી છે.
યુએસ સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ અનુસાર, યુએસના અન્ય રાજ્યો કરતાં અલાસ્કામાં એર ટેક્સી અને નાના વિમાન અકસ્માત વધુ થાય છે.
અલાસ્કામાં પર્વતીય પ્રદેશ સાથે પ્રતિકૂળ હવામાન છે. અહીંના ઘણા ગામડાઓ રસ્તાઓથી જોડાયેલા નથી, તેથી લોકો અને માલસામાનના પરિવહન માટે નાના વિમાનોનો ઉપયોગ કરતા હોય છે.
બેરિંગ એર અલાસ્કા એક પ્રાદેશિક એરલાઇન છે. જે લગભગ 39 વિમાનો અને હેલિકોપ્ટરનું સંચાલન કરે છે. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 ના ડેટામાં આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, અમેરિકામાં વિમાન દુર્ઘટનનાના સમાચાર આવી રહ્યા છે. અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેના પછી ઘણા ઘરોમાં આગ લાગી હતી. આ વિમાનમાં છ લોકો સવાર હતા. જે વિમાન ક્રેશ થયું તે લિયરજેટ 55 વિમાન હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રાન્સન નેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું.