
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મંગળવારે પોલિયો રસી પીવડાવવા ગયેલી ટીમને સુરક્ષા પૂરી પાડતા એક પોલીસ કર્મચારીની હત્યા કરાઈ છે. તો એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે. બલુચિસ્તાનના નુશ્કીમાં આ ઘટના બની હતી. આ ઘટના પછી નુશ્કી જિલ્લામાં પોલિયો અભિયાન હાલ પૂરતું સ્થગિત કરાયું છે. પોલિયો એક એવો રોગ છે જે વ્યક્તિના હાથ-પગને સીધી અસર થતાં લકવાનો હુમલો થાય છે. એકવાર કોઈ વ્યક્તિ પોલિયોગ્રસ્ત થાય તો તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રોકવા માટે 5 વર્ષની ઉંમર સુધી બાળકોને રસીના બે ટીપાં પીવડાવવામાં આવે છે. આ અચૂક દવાથી વિશ્વભરના દેશોએ પોલિયો સામે રક્ષણ મેળવ્યું છે.
વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં વેક્સિનનો વિરોધ થાય છે. પાકિસ્તાનમાં 5 વર્ષથી ઓછી ઉંમરના આશરે 45 મિલિયન બાળકો છે. તેમને પોલિયો મુક્ત કરવા માટે એક ઝુંબેશ ચાલી રહી છે, જેનો કટ્ટરપંથીઓ વિરોધ કરે છે. પોલિયો રસી પીવડાવવા જતી ટીમ પર હુમલો કરે છે. પાકિસ્તાનમાં પોલિયોનો આટલો વિરોધ કેમ છે?
કાવતરાની શંકાઓ
પાકિસ્તાનમાં ઘણા લોકો એવું માને છે કે, પોલિયોની રસી એ એક પશ્ચિમી કાવતરું છે. જેનો ઉદ્દેશ્ય મુસ્લિમોને નપુંસક બનાવવા અર્થાત્ તેમની વસ્તીને નિયંત્રિત કરવાનો છે. આ ગેરસમજ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં કેટલાય સમયથી પ્રચલિત છે. અફઘાનિસ્તાનમાં પણ આનો વિરોધ થયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઘણા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો પોલિયોના ટીપાં પીવડાવવા જતી નથી.
મૌલવીએ ઘણીવાર પોલિયો વિરુદ્ધ ફતવા બહાર પાડ્યા
ભૂતકાળમાં કેટલાક મૌલવીઓ અને ધાર્મિક નેતાઓએ પોલિયો રસી વિરુદ્ધ ફતવા બહાર પાડ્યા છે, જેમાં તેને "હરામ" અથવા ઇસ્લામ વિરોધી ગણાવ્યું છે. કેટલાક સમુદાયો સરકાર પર વિશ્વાસ કરતા નથી, તેઓ માને છે કે જ્યારે અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી, તો ફક્ત પોલિયો રસી પર આટલો ભાર કેમ? પાકિસ્તાન સરકાર, WHO અને યુનિસેફ જેવી સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા, સ્થાનિક ધાર્મિક નેતાઓને સામેલ કરવા અને સુરક્ષિત રીતે રસીકરણ હાથ ધરવાનો પ્રયાસ કરી રહી છે.