Home / World : Putin's ministry claims, 'Russian army has captured more than 20% of Ukraine's land'

‘રશિયન સેનાએ યુક્રેનની 20%થી વધુ જમીન પર કબજો કર્યો’, પુતિનના મંત્રાલયનો દાવો

‘રશિયન સેનાએ યુક્રેનની 20%થી વધુ જમીન પર કબજો કર્યો’, પુતિનના મંત્રાલયનો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ પણ આ યુદ્ધ દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. તાજેતરમાં યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા ઘાતક હુમલા અને રશિયાના વળતા હુમલાએ આ યુદ્ધને વધુ ખતરનાક બનાવી દીધુ છે. આ મહાયુદ્ધની સૌથી ભયાનક બાબત એ છે કે તે ત્રણ વર્ષથી સતત ચાલુ જ છે. એક તરફ યુક્રેન રશિયાની અંદર સેંધ લગાવીને તેની ધરતીને હચમચાવી રહ્યું છે તો બીજી તરફ રશિયન આર્મી સતત યુક્રેનના શહેરો પર કબજો કરી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પુતિનની આર્મીએ યુક્રેનના વધુ એક શહેર પર કબજો કર્યો 

રવિવારે રશિયન રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે, અમારી સેનાએ યુક્રેનના ડોનેટ્સક ક્ષેત્રમાં ઝોરિયા નામના શહેર પર કબજો કરી લીધો છે. આ સાથે જ રશિયાએ યુક્રેનના લગભગ 20% પ્રદેશ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

એક અહેવાલ પ્રમાણે યુક્રેનમાં અત્યાર સુધીમાં રશિયન સેનાએ 1,12,000 ચોરસ કિલોમીટરથી વધુ જમીન પર કબજો કરી લીધો છે. તેમાં ક્રીમિયા, ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસૉન અને ઝાપોરિજ્ઝિયાનો મોટો ભાગ શામેલ છે. આ પ્રદેશ યુક્રેનના કુલ વિસ્તારના લગભગ પાંચમા ભાગ જેટલો છે.

રશિયા યુક્રેનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું

રશિયાની આ તાજેતરની સૈન્ય સફળતા અચાનક બનેલી ઘટના નથી. સૈન્ય વિશ્લેષકોનું માનવું છે કે, રશિયા હવે ધીમી પણ સ્થિર ગતિએ પૂર્વી અને દક્ષિણ યુક્રેનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ઝોરિયા જેવા નાના શહેર પર કબજો આ જ વ્યૂહરચનાનો હિસ્સો છે. આ વિસ્તાર અવદીવકા અને ચાસિવ યારની વચ્ચે સ્થિત છે અને બંને પક્ષો માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

યુક્રેનની જવાબી કાર્યવાહી મર્યાદિત સાબિત થઈ

જોકે, યુક્રેનને ખેરસૉન અને ખારકીવ જેવા વિસ્તારોમાં થોડી સફળતા મળી હતી, પરંતુ 2024ના અંતમાં અને 2025ની શરૂઆતમાં તેની જવાબી કાર્યવાહી મર્યાદિત સાબિત થઈ છે. રશિયા હવે માત્ર પોતાનો કબજો જાળવી રાખવામાં જ સફળ નથી રહ્યું, પરંતુ તે ધીમે ધીમે તેને વિસ્તાર પણ આપી રહ્યું છે. 

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયે ફરી એકવાર રશિયાની કાર્યવાહીની ટીકા કરી છે, પરંતુ જમીની સ્થિતિ દર્શાવે છે કે હાલમાં રશિયન સેના યુક્રેનમાં વ્યૂહાત્મક રીતે આગળ છે.

 

 

Related News

Icon