
'જાના થા જાપાન, પહોંચ ગયે ચીન..' આવો જ ઘાટ ઈરાન સાથે થયો છે. ઈઝરાયેલ પર કરાયેલા હુમલાના ડ્રોન જોર્ડન પહોંચી ગયા છે. જોર્ડનની રાજધાની અમ્માનમાં સાયરન વાગવા લાગ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. જોર્ડનના રાજ્ય મીડિયા અનુસાર, જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં ઘણા ઈરાની ડ્રોન ઘૂસી ગયા, જેને હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યા.
ઇઝરાયલનો ઇરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો
ઇઝરાયલે ઇરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા હતા. જેમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ હુસૈન સલામી અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે. સલામી ઉપરાંત, સરદાર રશીદ (ખાતમ અલ-અંબિયાના વડા), ડૉ. ફરીદાઉન અબ્બાસી (પરમાણુ વૈજ્ઞાનિક), ડૉ. તેહરાનચી (પરમાણુ વૈજ્ઞાનિક) સહિત ઈરાનની સેનાના ઘણા કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. આ હુમલામાં રાજધાની તેહરાન અને તેની આસપાસના અન્ય સ્થળો તેમજ અન્ય શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયેલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહી
ઇઝરાયેલના હુમલા બાદ ઇરાને ડ્રોન હુમલા કર્યા હતા. પરંતુ આ ડ્રોન ઇઝરાયેલ દ્વારા આ ડ્રોન સરહદની બહાર તોડી પાડવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ તંગ છે અને ઇઝરાયલ સંપૂર્ણપણે સતર્ક છે. હવાઈ સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય કરવામાં આવી છે.
જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયા
જો કે ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મોટા ભાગના ડ્રોન જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયા છે. જેને જોર્ડનની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યા. ડ્રોન જોર્ડનમાં ઘૂસતા ત્યાં સાયરન વાગવા લાગી હતી. અને હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.