
ડાયમંડ નગરી તરીકે ઉપનામ મેળવી ચુકેલા સુરતના સોલીટેર દુનિયાભરમાં જાણીતા છે. રીઅલ ડાયમંડની સાથો સાથ સિન્થેટિક ડાયમંડ કહો કે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત જગવિખ્યાત બની ચુક્યું છે. તાજેતરમાં લેબગ્રોન ડાયમંડના ભાવમાં 37 ટકા સુધીનો ઘટાડો કરવા લેવાયેલા નિર્ણય બાદ દેશભરના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને વધુ એક આંચકો લાગ્યો છે.
15 મિનિટમાં જ હીરા થઇ જશે તૈયાર
દક્ષિણ કોરિયાએ માત્ર 15 મિનિટમાં લેબર્ગોન ડાયમંડનું નિર્માણ કરતી ટેકનોલોજી વિકસાવી છે.કોરિયાએ ડેવલપ કરેલી અદ્યતન ટેકનોલોજીથી વૈશ્વિક ફલક ઉપર લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં ભારતની મોનોપોલી સાથે જોખમ ઊભું થયું છે.
કોરિયાએ કોઇપણ પ્રકારના બીજ કણો વિના ઝડપથી સિન્થેટીક ડાયમંડ તૈયાર કરતી નવિનતમ ટેકનોલોજી વિકસાવી છે. હીરાના ઉત્પાદન માટે તેમની આ સુપરફાસ્ટ પદ્ધતિથી સુરત સહિત સમગ્ર ભારતભરમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના ભાવ તૂટવાનો ભય ઉપસ્થિત થયો છે. કોરિયા દ્વારા માત્ર 15 મિનિટના ટૂંકાગાળામાં લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવી રહ્યાં હોય ભારતની સાથો સાથ ચાઇનાથી થતાં એક્સપોર્ટ ઉપર પણ પ્રતિકૂળ અસર જોવા મળશે. ભારત અને ચીન બન્ને દેશોનું માર્કેટ કહો કે મોનોપોલી તૂટશે તેવી ફડક ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરિયા દ્વારા પ્રારંભિક તબક્કે અઢી કલાકમાં લેબગ્રોન ડાયમંડ તૈયાર થતો હતો. વધુમાં લેબોરેટરીમાં હીરા તૈયાર કરવાની પદ્ધતિ સમય માંગી લેતી પ્રક્રિયા છે.
ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાન આધારિત પદ્ધતિથી હીરાને તૈયાર કરવામાં અંદાજિત 12 દિવસ જેટલો સમય લાગે છે. દેશના નાણાં મંતીરી નિર્મલા સીતારમને ગત વર્ષે બજેટમાં ભારતમાં હીરાના ઉત્પાદનને વેગ આપવા લેબોરેટરીમાં તૈયાર થતાં હીરા માટેના બીજ માટે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સરકારે હવે એલજીડીમાં સંશોધન માટે ઇન્ડિયા સેન્ટર ફોર લેબગ્રોન ડાયમંડ્સની સ્થાપના કરવા માટે આઇઆઇટી મદ્રાસને 242 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે.
સુરતમાં એક દાયકામાં લેબગ્રોન ડાયમંડનો અંદાજિત 60 હજાર કરોડનો બિઝનેસ થયો
લેબગ્રોન ડાયમંડ સુરતની સાથે ભારતભરમાં ઝડપથી વિકસતો ઉદ્યોગ બની ચુક્યો છે. ભારત સરકારની વિશેષ છૂટછાટ વચ્ચે સુરતથી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 60 હજાર કરોડનો લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ થયો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશમાં ડાયમંડ જ્વેલરીમાં સિન્થેટીક ડાયમંડનો વપરાશ વધ્યો છે. આ ડાયમંડ મોટાભાગે ભારત અને ચાઇનાથી એક્સપોર્ટ થઇ રહ્યાં છે. સુરતમાં એસઇઝેડમાંથી મોટાપાયે ડાયમંડની નિકાસ થઇ છે. જોકે, હવે કોરિયાની અદ્યતન ટેકનોલોજીએ કરેલા આવિષ્કારથી ભારતની ઇન્ડસ્ટ્રી માટે મોટો પડકાર ઉભો થયો છે.