
ઘણા દાયકાઓમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ યુએસ સંસદની અંદર થશે. અમેરિકામાં ભારે ઠંડીને કારણે શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાઈ રહ્યો છે.
અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ બીજો કાર્યકાળ રહેશે. પહેલી વખત તેમણે 20 જાન્યુઆરી 2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે હવે ચાર વર્ષ પછી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ફરીથી વાપસી કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને અભિનંદન આપતા કહ્યું- હું યુક્રેન અને પરમાણુ શસ્ત્રો પર વાતચીત માટે તૈયાર છું
સોમવારે (20 જાન્યુઆરી) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વોશિંગ્ટનમાં ટ્રમ્પના શપથગ્રહણના કલાકો પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ યુક્રેન અને પરમાણુ શસ્ત્રો પર નવા યુએસ વહીવટીતંત્ર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પુતિને રશિયન સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં આવી સુરક્ષા વ્યવસ્થા છે
૨૫,૦૦૦ અધિકારીઓ, ૩૦ માઈલનો સુરક્ષાઘેરો અને પેટ્રોલિંગ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અમેરિકન ઇતિહાસનો સૌથી સુરક્ષિત શપથ ગ્રહણ સમારોહ છે. હકીકતમાં, ટ્રમ્પ પરના હુમલા પછી ગુપ્તચર સેવાઓ કહે છે કે કોઈપણ ધમકીને અવગણવામાં આવી રહી નથી.
વિદેશ મંત્રી ટ્રમ્પને પીએમ મોદીનો પત્ર સોંપશે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ પીએમ મોદીનો ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર પણ સોંપશે.
ટ્રમ્પ જ્યાં શપથ લેશે તે અમેરિકન સંસદનો ઇતિહાસ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુએસ સંસદ (કેપિટોલ હિલ) માં શપથ લેશે. યુએસ સંસદ ભવન તેના સ્થાપત્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેનું બાંધકામ ૧૭૯૩માં શરૂ થયું હતું અને ૧૮૦૦ સુધીમાં તેનો અડધો ભાગ પૂર્ણ થઈ ગયો હતો. આ પછી, ૧૮૦૧થી દરેક રાષ્ટ્રપતિ આ ભવનના પરિસરમાં શપથ લેતા આવ્યા છે. આ ઇમારતની ખાસ વાત એ છે કે તેના આર્કિટેક્ટ વિલિયમ હતા જેમની પાસે આર્કિટેક્ચરની ડિગ્રી પણ નહોતી.