
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદીઓને છાવરનારા પાકિસ્તાનમાં ક્રિપ્ટો સામ્રાજ્ય ઉભા કરી રહ્યા હોય, તેવો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (Pakistan Crypto Council-PCC) અને અમેરિકાની ક્રિપ્ટો કંપની વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્સિયલ (World Liberty Financial-WLFI) વચ્ચે એપ્રિલ-2025માં એક સમજૂતી થઈ હતી. બંને વચ્ચે પાકિસ્તાનમાં બ્લૉકચેન ટેકનોલોજીને ડેવલપ કરવા માટે તેમજ સંશાધનોને મોનેટાઇઝ કરવા માટે સમજૂતી થઈ હતી. જોકે હવે આ સમજૂતી શંકામાં આવી ગઈ છે અને તેનું કારણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ છે.
સમજૂતી પહેલા પાકિસ્તાનના PM અને ટ્રમ્પની કંપની વચ્ચે કોમ્યુનિકેશન
સમજૂતીના થોડા દિવસ પહેલા WLFI અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ (Pakistan PM Shehbaz Sharif) શરીફ વચ્ચે કેટલાક કોમ્યુનિકેશન થયા હતા, જેના કારણે અમેરિકાની સેનેટની સબ-કમિટીએ WLFI પાસેથી કોમ્યુનિકેશનની માહિતી માંગી છે. જોકે આ મામલે હજુ સુધી કંપનીઓએ કોઈ જવાબ આપ્યો નથી. WLFI કોઈ નાની કંપની નથી, તેના ટ્રમ્પ સાથે ખાસ સંબંધ છે, તેથી હવે આ મામલો મોટો થવાની સંભાવમાં વધી ગઈ છે. વાસ્તવમાં આ કંપનીમાં ટ્રમ્પ પરિવાર સામેલ છે અને પરિવારનો કંપનીમાં 60 ટકા હિસ્સો છે.
PCC-WLFIની સમજૂતી બાદ ટ્રમ્પનું કનેક્શન ખૂલ્યું
ડબલ્યુએલએફઆઈ કંપનીના પ્રમોટર્સની યાદીમાં ડૉનાલ્ડ જે. ટ્રમ્પ, ડોનાલ્ડ જૂનિયર ટ્રમ્પ, એરિક ટ્રમ્પ અને ડીટી માર્ક્સ DEFI LLCનું નામ લખાયેલું છે. ટ્રમ્પે ડીટી માર્ક્સ દ્વારા વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્સિયલમાં 50 ટકા હિસ્સો લીધેલો છે. ડીટી માર્ક્સ અને ફ્લોરિડા સ્થિત ટ્રમ્પના નેશનલ ગોલ્ફ ક્લબનું સરનામું એક જ છે.
એટલું જ નહીં, રેકોર્ડ્સમાં પણ લખેલું છે કે, ડીટી માર્ટ WLFI આપેલી સેવાઓનું ભથ્થું લેશે. ડીટી માર્ટ WLFIને પ્રમોટ કરવા માટે ટ્રમ્પ, કંપનીના અન્ય માલિક અને પ્રમોટર્સને રિક્વેસ્ટ કરવાનો પણ અધિકાર ધરાવે છે. આ સેવા બદલ ડીટી માર્ટ WLFIની કમાણીમાંથી 75 ટકા ભાગ લઈ શકે છે.
કંપનીમાં ટ્રમ્પના ખાસ દૂતના પુત્ર સહ-સ્થાપક
આ ડીલ 26 એપ્રિલે થી હતી, પછી ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફના પુત્ર અને WLFI ના સહ-સ્થાપક જેક વિટકોફે કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથેની થયેલી ડીલથી પાકિસ્તાનમાં આવનારી પેઢીઓને નાણાંકીય ફાયદો કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ સમજૂતીના થોડા દિવસો પહેલા જ પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. પછી ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બે સપ્તાહમાં સમાપ્ત થયા પછી ટ્રમ્પ પાકિસ્તાનની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. આ અપ્રત્યક્ષ પ્રશંસા પાછળનું એક મુખ્ય કારણ ક્રિપ્ટો કરન્સી કંપની WLFI અને PCC વચ્ચેનો કરાર હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પની ક્રિપ્ટો કંપની સહિતના લોકો સામે તપાસ શરૂ
જોકે પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (PCC) અને અમેરિકાની ક્રિપ્ટો કંપની વર્લ્ડ લિબર્ટી ફાઈનાન્સિયલ (WLFI) વચ્ચે થયેલી સમજૂતીની તપાસ ચાલી રહી છે. તેની અમેરિકન સેનેટની કાયમી સબકિમટી ઑન ઈન્વેસ્ટિગેશન તપાસ કરી રહી છે. સેનેટર રિચર્ડ બ્લૂમેન્થલે જેક વિટકોફને પુત્ર લખીને કહ્યું છે કે, ‘WLFI સહિત ટ્રમ્પની ક્રિપ્ટો કંપનીઓ, વિદેશી નાગરિકો અને સરકારો વચ્ચે થયેલી નાણાંકીય લેવડદેવડના કારણે કાયદાકીય ઉલ્લંઘન કે હિતોને અસર થઈ છે કે નહીં, તેની અમેરિકન સેનેટ તપાસ કરી રહી છે’