Home / World : Trump warns foreign nationals in America, new immigration law will be implemented

અમેરિકામાં વિદેશની નાગરિકોને ટ્રમ્પની ચેતવણી, ઈમિગ્રેશનને લઈ નવો કાયદો થશે લાગુ

અમેરિકામાં વિદેશની નાગરિકોને ટ્રમ્પની ચેતવણી, ઈમિગ્રેશનને લઈ નવો કાયદો થશે લાગુ

ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં દરરોજ કોઈને કોઈ એવા નિયમો લાદી રહ્યું છે જે લોકોનું ધ્યાન ખેંચે. ટેરિફનો ત્રાસ વર્તાવ્યા બાદ ટ્રમ્પે હવે ઇમિગ્રેશન નીતિ કડક કરવાના હેતુસર ‘એલિયન નોંધણી કાયદો’ (Alien Registration Act) લાગુ કરવાની પેરવી કરી છે, જે અંતર્ગત અમેરિકામાં રહેતા વિદેશી વ્યક્તિઓએ નોંધણી કરાવવી ફરજિયાત હશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટી(DHS - Department of Homeland Security)એ તાજેતરમાં એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, 30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહેલા તમામ વિદેશી નાગરિકોને ‘એલિયન રજિસ્ટ્રેશન ઍક્ટ’ હેઠળ તેમની નોંધણી કરાવવાની છે અને એની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. આ આદેશનું પાલન ન કરનારે દંડ અથવા કેદ એક પછી બંને ભોગવવા તૈયાર રહેવું પડશે. 

જરૂરી દસ્તાવેજ સતત સાથે રાખવા પડશે

ભલે તમે અમેરિકામાં વર્ક વિઝા અથવા સ્ટડી વિઝા પર કાયદેસર ગયેલા હો, તમારે તમારી નોંધણીના દસ્તાવેજ સતત તમારી સાથે રાખવા પડશે. અમેરિકાની પોલીસ અને અન્ય સુરક્ષા દળો પૈકી કોઈપણ ઑફિસર ગમે ત્યારે ગમે ત્યાં વિદેશી નાગરિક પાસે તેમના દસ્તાવેજ જોવા માંગી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વિદેશીઓને આ નિયમ લાગુ પડશે. એમાં ચૂક થઈ તો નાણાકીય દંડ, જેલવાસ અને દેશનિકાલ જેવી સજાઓ માટે તૈયાર રહેવું પડશે.  

કેવા-કેવા નિયમો લાગુ પડશે? 

1)    અમેરિકાનું નાગરિકત્વ નહીં લીધું હોય એવા તમામ વિદેશી નાગરિકોએ 11 એપ્રિલ, 2025 સુધીમાં નોંધણી કરાવવાનો સમય હતો 

2)    11 એપ્રિલ, 2025ના રોજ જેમના અમેરિકામાં વસવાટને ઓછામાં ઓછા 30 દિવસ થયા હશે, એ તમામ લોકોને આ નિયમ લાગુ પડશે. 

3)    11 એપ્રિલ, 2025 પછી અમેરિકામાં પ્રવેશ કરનારે 30 દિવસની અંદર નોંધણી કરાવવી પડશે.

4)    બીજા દેશમાંથી અમેરિકા ગયેલું બાળક 14 વર્ષનું થાય એટલે તેના માતાપિતા કે વાલીએ બાળકની વિગતોની નોંધણી કરાવવી પડશે. બાળકની નોંધણી અગાઉ થઈ ગઈ હોય તો પણ ફરી નોંધણી કરાવવી પડશે. 

5)    18 વર્ષથી વધુ ઉંમરના તમામ વિદેશીઓએ નોંધણીમાં તેમના વતનની વિગતોથી લઈને તેમના અમેરિકાના સરનામા અને ફિંગરપ્રિન્ટ્સ જેવી ઘણીબધી વિગતો જાહેર કરવી પડશે. 

6)    નોંધણીના દસ્તાવેજ સતત સાથે રાખવા પડશે. અમેરિકન પોલીસ કે અન્ય સુરક્ષા દળના ઑફિસર કોઈપણ વ્યક્તિના દસ્તાવેજ ગમે ત્યારે ગમે ત્યારે જોવા માંગી શકશે.

7)    અમેરિકામાં વસવાટ દરમિયાન સરનામું બદલાય તો એની જાણ દસ દિવસની અંદર કરવી પડશે. 

નિયમોનો ભંગ આવી સજાઓ નોતરી લાવશે

ઉપરના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને 5,000 ડૉલર સુધીનો દંડ અને/અથવા 30 દિવસ સુધીના જેલવાસની સજા થઈ શકે છે. તેને અમેરિકામાંથી કાઢી મૂકાશે અને એ ફરી ક્યારેય અમેરિકામાં પ્રવેશી નહીં શકે. 

નવા નોંધણી નિયમો કોને લાગુ નહીં પડે?

જેઓ વર્ક વિઝા, સ્ટડી વિઝા કે પછી ટુરિસ્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યા છે તેમને તથા જેમની પાસે ગ્રીન કાર્ડ, રોજગાર અધિકૃતતા દસ્તાવેજ (EAD), બોર્ડર ક્રોસિંગ કાર્ડ અથવા l-94 પ્રવેશ રૅકોર્ડ છે, એવા લોકોને નવી નોંધણી પ્રક્રિયા લાગુ નહીં પડે. અલબત્ત, H-1B વિઝા ધારકો અને વિદ્યાર્થીઓએ તેમણે અગાઉ નોંધણી કરાવેલ હોય એ દસ્તાવેજ સતત તેમની સાથે રાખવા પડશે.

કાયદાની અસર લાખો ભારતીયોને થશે 

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી ગયેલા વિદેશીઓને આ કાયદાની સૌથી વધુ અસર થશે અને એમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. DHS મુજબ, 2022 સુધીમાં ભારતના 2.20 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહી રહ્યા છે. હાલ આ સંખ્યા વધુ હોવાની શક્યતા છે. ગણતરીની પદ્ધતિઓ અલગ અલગ હોવાને કારણે ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ આવા ભારતીયોને સંખ્યા 7 લાખ જણાવે છે, જ્યારે ‘માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ’નો આંકડો છે 3.75 લાખ.

ઘૂસણખોરો જાતે સામે આવીને સજાથી બચી શકશે

ઘૂસણખોરો જાતે સરેન્ડર કરશે તો આકરી સજાથી બચી જશે. અલબત્ત, તેમને દેશનિકાલ કરીને તેમના વતન તો મોકલી જ દેવાશે. પણ, તેઓ ભવિષ્યમાં અમેરિકા જવા માટે ફરી કાયદેસરની અરજી કરવાને પાત્ર રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 20 જાન્યુઆરી, 2025ના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'અમેરિકન નાગરિકોનું (બાહ્ય લોકોના) આક્રમણ સામે રક્ષણ' કરવા માટેના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અને DHSને લાંબા સમયથી અવગણવામાં આવેલા એલિયન નોંધણી કાયદાને લાગુ કરવા નિર્દેશ આપ્યો હતો.

અમેરિકામાં કાયદાનો વિરોધ થઈ રહ્યો છે

અમેરિકામાં માનવ અધિકારો માટે કાર્યરત સંસ્થાઓ આ કાયદાનો એમ કહીને વિરોધ કરી રહી છે કે, વહીવટી પ્રક્રિયા અધિનિયમનું ઉલ્લંઘન કરે છે અને એના અમલીકરણથી અરાજકતાની સ્થિતિ પેદા થશે. સંસ્થાઓએ આ નિયમને કોર્ટમાં પડકાર્યો છે.

Related News

Icon