
જાપાનના ટોકારા ટાપુઓમાં છેલ્લા બે અઠવાડિયામાં 1,000થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 21મી જૂનથી શરૂ થયેલી આ ભૂકંપની ગતિવિધિએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. આ દરમિયાન જાપાનના બાબા વેંગા તરીકે ઓળખાતા રિયો તાત્સુકીની ભવિષ્યવાણીથી લોકોમાં ડરનો માહોલ છે. કારણ કે, પાંચમી જુલાઈના રોજ સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
ટોકારા ટાપુમાં પર ભૂકંપના જોરદાર આંચકા
જાપાન હવામાન એજન્સી અનુસાર, ટોકારા ટાપુઓ ક્યુશુની દક્ષિણે પેસિફિક રિંગ ઓફ ફાયરની અંદર અનેક ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર આવેલા છે. 21મી જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન 1,000થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આમાંના ઘણાં ભૂકંપ જાપાની સ્કેલ પર 1 કે તેથી વધુ તીવ્રતાના હતા. ત્રીજી જુલાઈના રોજ 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કાગોશિમા પ્રીફેક્ચરમાં ટોકારા ટાપુના કિનારે લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ હતું. નોંધનીય છે કે, આ ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી નથી અને કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ભૂકંપના સતત આંચકાઓથી સ્થાનિક લોકોમાં ડર છે.
રિયો તાત્સુકીની ભવિષ્યવાણીના કારણે લોકોમાં ભય વધ્યો
ભૂકંપના આંચકાઓ વચ્ચે મંગા કલાકાર રિયો તાત્સુકીની વર્ષ 1999માં પ્રકાશિત અને વર્ષ 2021માં ફરીથી છાપવામાં આવેલી પુસ્તક ધ ફ્યુચર આઈ સોએ સમગ્ર એશિયામાં હલચલ મચાવી દીધી છે. રિયો તાત્સુકીને જાપાનના બાબા વેંગા કહેવામાં આવે છે. તેમણે આ પુસ્તકમાં દાવો કર્યો હતો કે પાંચમી જુલાઈ 2025ના રોજ જાપાન અને ફિલીપીન્સ વચ્ચે સમુદ્રના તળમાં એક તિરાડ પડશે. જેના કારણે 2011ના તોહોકુ સુનામી કરતા ત્રણ ગણી વધુ શક્તિશાળી સુનામી આવશે.
રિયો તાત્સુકીની ભવિષ્યવાણીની એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે, તેમણે વર્ષ 1995ના કોબે ભૂકંપ અને વર્ષ 2011ના તોહોકુ ભૂકંપ અને સુનામીની ભવિષ્યવાણી કરી હતી, જે સચોટ સાબિત થઈ હતી.
જાપાનના પર્યટન પર અસર
સોશિયલ મીડિયા પર રિયો તાત્સુકીની ભવિષ્યવાણીની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ભૂકંપના ડરથી પ્રવાસીઓએ જાપાનની ટ્રિપ્સ રદ કરી છે. હોંગકોંગની ટ્રાવેલ એજન્સીના જણાવ્યાનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ ભવિષ્યવાણીના કારણે બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. હોંગકોંગ એરલાઇન્સે પણ જાપાનની ફ્લાઇટ્સ ઘટાડી છે અને ગ્રુપ ટૂરના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો છે.