
કેનેડામાં મેનિટોબા શહેરના હાર્વેસમાં બે ટ્રેનિંગ પ્લેન હવામાં જ સામસામે અથડાયા છે. ઘટનામાં ભારતીય પાયલટ સહિત બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ટ્રેનિંગ દરમિયાન એક વિમાનમાં ભારતીય નાગિરક અને બીજા વિમાનમાં કેનેડીયન યુવતી બેઠી હતી, બંને ટ્રેનિંગ લઈ રહ્યા હતા, જેમાં હવામાન જ બંને વિમાનો સામ સામે અથડાયા છે. આ અકસ્માત મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્ટેઈનબેક નજીક થયો છે.
ટોરેન્ટો સ્થિત ભારતીય દુતાવાસે માહિતી આપી
ટોરેન્ટો સ્થિત ભારતીય દુતાવાસે કહ્યું કે, ‘મેનિટોબા શહેરમાં સિંગલ એન્જિનવાળા બે વિમાનો સામસામે અથડાતા એક ભારતીય વિદ્યાર્થી શ્રીહરિ સુકેશનું મોત થયું છે. અમે શોકગ્રસ્ત પરિવારને ભારતીય વિદ્યાર્થીના મોતની માહિતી આપી છે. અમે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ અને સ્થાનિક પોલીસના સંપર્કમાં છીએ.’
સામસામે અથડાયા બંને વિમાનો
એર પાયલોટ ટ્રેનિંગ સ્કૂલના પ્રમુખ એડમ પેનરે જણાવ્યું કે ‘વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહેલા બંને વિદ્યાર્થીઓ ટેક-ઓફ અને લેન્ડ કરવાની તાલીમ લઈ રહ્યા હતા. અકસ્માત સમયે વિમાનમાં રેડિયો સિસ્ટમ હતી, પરંતુ તેઓ વિમાનની અંદરથી અન્ય વિમાનને બીજી દિશામાંથી આવતા જોઈ શક્યા નહીં, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. વિમાનમાં તાલીમ લઈ રહેલા બે યુવાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિમાનના કાટમાળમાંથી બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતક ભારતીય વિદ્યાર્થી કેરળનો રહેવાસી
બે મૃતકોમાંથી એક ભારતીયનું નામ શ્રીહરિ સુકેશ છે. 23 વર્ષનો આ યુવક કેરળનો રહેવાસી છે. તે પાઇલટ તરીકે તાલીમ લેવા માટે કેરળના કોચીથી કેનેડા ગયો હતો. પરંતુ તેનું પાઇલટ બનવાનું સ્વપ્ન ત્યાં જ સમાપ્ત થઈ ગયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી બીજી કેનેડીયન વિદ્યાર્થીનું નામ સવાન્ના મે રોયસ છે, જેની ઉંમર 20 વર્ષ છે.
કેનેડામાં દર વર્ષે વિશ્વમાંથી 400 વિદ્યાર્થીઓ પાયલટની ટ્રેનિંગ લેવા આવે છે
દર વર્ષે વિશ્વભરમાંથી 400 વિદ્યાર્થીઓ કેનેડામાં પાયલટની ટ્રેનિંગ લેવા આવે છે, ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, તાલીમ કેન્દ્રમાં યોગ્ય પગલાં કેમ લેવાતા નથી. દુર્ઘટના બાદ અકસ્માતની તપાસ શરૂ કરી દેવાઈ છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટનાથી આઘાત લાગ્યો છે. કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સુકેશના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.