
પંજાબ નેશનલ બેંક કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને ભાગેડું નીરવ મોદીને બ્રિટિશ કોર્ટે તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નીરવ મોદીએ 16 એપ્રિલ 2024ના રોજ યુકેની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5મી વખત જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ 7 મે 2024ના રોજ સુનાવણી દરમિયાન તેને ફગાવી દેવામાં આવી હતી.
નીરવના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે છેલ્લી જામીન અરજી સાડા ત્રણ વર્ષ પહેલા આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જોન જાનીએ કહ્યું કે, નીરવ પર મોટી છેતરપિંડીનો આરોપ છે. તેને જામીન આપી શકાય નહીં. પરિણામે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની સંયુક્ત ટીમ પણ નીરવની જામીન અરજીની સુનાવણી માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચી હતી.
નીરવ મોદી PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તેની સામે અનેક કેસ દાખલ કર્યા છે અને તેને દિલ્હી લાવવાની કોશિશ પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકમાંથી લગભગ 14 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી.
બેંકમાં પૈસા પરત કર્યા વગર તે બ્રિટન ભાગી ગયો હતો. આ પછી PNBએ નીરવ મોદી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. જો કે નીરવ મોદીના મામલામાં ભારત સરકાર સતત બ્રિટન સમક્ષ તેના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવી રહી છે.
https://twitter.com/ANI/status/1787841192039784824