
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રત્યે નરમ વલણ અપનાવતા યુક્રેનના નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ‘પુતિન દગો આપી રહ્યા છે અને આ મુદ્દે ટ્રમ્પ વધુ નરમ વલણ અપનાવી રહ્યા છે.’
‘રશિયા અમારા અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે’
યુક્રેનમાં કાર્યરત યૂલિયા પોરોવસ્કાએ કહ્યું કે, ‘રશિયા અમારા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત રહેણાંક વિસ્તારો અને અન્ય સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. પોરોવસ્કાએ ટ્રમ્પ-પુતિન વચ્ચેની વાતચીત અંગે કહ્યું કે, ‘મને લાગે છે કે, બંને નેતાઓ વચ્ચેની ચર્ચા યુક્રેનનો છેલ્લો ફાયદો છીનવી લેવાનો એક માર્ગ છે. રશિયા તેના નિર્ધારીત લક્ષ્યો મુજબ અમારા અન્ય સ્થળોને પણ નિશાન બનાવવામાં સક્ષમ થઈ જશે અને તેઓ તે જ કરી રહ્યા છે.’
‘પુતિન દગો આપી રહ્યા છે’
પોરોવસ્કાએ કહ્યું કે, ‘મને લાગી રહ્યું છે કે, પુતિન દગો આપી રહ્યા છે. ટ્રમ્પ હવે નિશ્ચિતરૂપે પુતિનને છૂટછાટો આપી રહ્યા છે. તેઓ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, બધું જ બરાબર છે. અમારા દેશના લોકો શાંતિ સ્થાપવા માંગે છે, પરંતુ મને લાગે છે કે, પુતિન દગો આપી રહ્યા છે.’
યુક્રેનના ફ્રીલાન્સ વર્કર વ્યાચેસ્લાવ ડેવિડેંકોએ કહ્યું કે, ‘અમારા રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, અનેક અન્ય મહત્ત્વના મુદ્દાઓ છે. અમારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહત્ત્વનું છે, પરંતુ વૈશ્વિક મુદ્દાઓનું સમાધાન થવું પણ વધુ જરૂરી છે, જોકે આ મામલે કોઈ સમજુતી થઈ નથી.’
‘અમેરિકનો પણ વિચારતા હશે કે, તેમણે કોને રાષ્ટ્રપ્રમુખ બનાવી દીધા’
તેમણે કહ્યું કે, ‘વાસ્તવમાં ટ્રમ્પ રશિયા પર નરમ વલણ અપનાવી રહ્યા છે. મને લાગે છે કે, અમેરિકનો પણ વિચારતા હશે કે, તેમણે કોને રાષ્ટ્રપતિ બનાવી દીધા? અમેરિકા અમેરિકા છે અને ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય અમારી આઝાદીની રક્ષા કરવાનો છે. અમને અમારા રાષ્ટ્રપતિ પર ભરોસો છે.’
ટ્રમ્પ-પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં પગલાં ભરવા મંગળવારે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ઊર્જા અને માળખાગત સુવિધાઓને ટાર્ગેટ કરીને હુમલાઓ રોકી યુદ્ધવિરામ બંધ કરવા સંમત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ વાતચીતને શાનદાર ગણાવી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુતિને ટ્રમ્પને ફોન પર વાત કરવા માટે લગભગ એક કલાક રાહ જોવડાવી હતી. જેને અમેરિકન રાષ્ટ્રપતિના અપમાન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રશિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા પ્રસ્તાવિત 30 દિવસના યુદ્ધવિરામને પણ નકારી કાઢ્યો.