
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપનીઓની પ્રવૃત્તિઓ તપાસ કરવાના યુએસ વહીવટીતંત્રના નિર્ણયને રિપબ્લિકન સાંસદે પડકાર્યો છે. સાંસદનું કહેવું છે કે આવા પસંદગીના નિર્ણયોને કારણે યુએસના મહત્ત્વપૂર્ણ ભાગીદારોને નુકસાન થવાનો ભય છે. તેમણે બાઈડન અને અમેરિકી વહીવટી તંત્રને લગતા અનેક વિષયો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
હાઉસ જ્યુડિશિયરીના મેમ્બર કોંગ્રેસમેન લાન્સ ગુડને આ મામલે યુએસ એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડને આકરા શબ્દોમાં પત્ર લખ્યો છે. જેમાં તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) પાસેથી વિદેશી સંસ્થાઓ સામેની પસંદગીયુક્ત કાર્યવાહી અને તેમાં અમેરિકાના વૈશ્વિક સબંધો તેમજ આર્થિક વિકાસને સંભવિત નુકસાન પહોંચાડતા સવાલોના જવાબો માંગ્યા છે. એ પ્રશ્ન પણ પૂછવમાં આવ્યો કે આ મામલામાં જ્યોર્જ સોરોસ સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા સારા સમાચાર: આ રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં 'હિન્દુ હેરિટેજ મંથ'ની ઉજવણી થશે
7મી જાન્યુઆરીએ લખેલા પત્રમાં ગુડને લખ્યુ હતું કે 'ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલા પસંદગીના કાર્યો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના સૌથી મજબૂત સહયોગીઓ પૈકી એક ભારત સાથેના મહત્ત્વપૂર્ણ સબંધોને નુકસાન પહોંચાડવા સમાન છે.' અફવાઓ અને અમેરિકાના હિતો સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા કેસોને આગળ ધપાવવાને બદલે ન્યાય વિભાગે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
પાંચ ટર્મથી રિપબ્લિકન સાંસદ એવા ગુડને કહ્યું હતું કે અમેરિકામાં લાખો ડોલરનું રોકાણ કરતી અને હજારો નોકરીઓ ઉભી કરતી કંપનીઓને નિશાન બનાવવાથી અમેરિકાને લાંબા ગાળે નુકસાન જ થશે. તેમણે કહ્યું કે આપણે હિંસક અપરાધો, આર્થિક જાસૂસી અને સીસીપીથી ઉદભવતા જોખમોને છોડી આર્થિક વિકાસમાં યોગદાન આપતા લોકોની પાછળ પડીએ છીએ, તે આપણા દેશમાં રોકાણ કરનારાઓ માટે નિરાશાજનક છે.
‘રાજકારણ પ્રેરિત વાતાવરણ આર્થિક વૃદ્ધિ અવરોધશે’
તેમણે ઉમેર્યુ હતું કે 'રોકાણકારો માટે અપ્રિય અને રાજકારણ પ્રેરિત વાતાવરણ અમેરિકાના ઔદ્યોગિક આધાર અને આર્થિક વૃદ્ધિના પ્રયાસોને અવરોધશે. વળી તે રોકાણ વધારી અર્થતંત્રને પુનઃનિર્માણ કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિબદ્ધતાને નબળી પાડશે.
ગુડને કહ્યું કે આ નિર્ણયો એવા સમયે લેવામાં આવી રહ્યા છે જ્યારે બિડેન વહીવટનો કાર્યકાળ સમાપન નજીક છે, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેનો એકમાત્ર હેતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે અવરોધો ઉભો કરવાનો છે. તેમણે કહ્યું કે હજારો માઈલ દૂર વિદેશમાં લાંબી અને રાજકીય પ્રેરિત પ્રવૃત્તિઓ પર કરદાતાઓના નાણાં ખર્ચવાને બદલે, વિભાગે અમેરિકન લોકોની વધુ સારી સેવા માટે વહીવટીતંત્ર સાથે સહયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: 'ગ્રીનલેન્ડ- પનામા લેવા જરૂર પડ્યે સેનાનો ઉપયોગ કરીશું', શપથ ગ્રહણ પહેલાં જ ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ
47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના બે અઠવાડિયા પહેલા લખાયેલા આ પત્રમાં ગુડને કહ્યું હતું કે, અમેરિકાની ભૌગોલિક રાજકીય શ્રેષ્ઠતા સામે વધુ ગૂંચવણો ઊભી ન કરવાની તમારી ફરજ છે. તેઓ લખે છે કે, આપણો દેશ ટ્રમ્પના નેતૃત્વમાં નવા યુગમાં પ્રવેશી રહ્યો છે, અમેરિકનોને આશા છે કે તે સમૃદ્ધિ, વૃદ્ધિ, આર્થિક પુનર્વૃદ્ધિ અને રાજકીય સ્વતંત્રતાના પુનરુત્થાનનું પ્રતીક બની રહેશે.
ગુડન લખે છે કે, અદાણી કેસમાં આરોપો સાચા સાબિત થાય તો પણ તેઓ અમને આ મામલે યોગ્ય અને અંતિમ મધ્યસ્થી બનાવવામાં નિષ્ફળ જશે. ગુડને લખ્યું, 'આ 'લાંચ' કથિત રીતે એક ભારતીય કંપનીના ભારતીય અધિકારીઓ દ્વારા ભારતમાં ભારત સરકારના અધિકારીઓને આપવામાં આવી હતી, જેમાં અમેરિકન પક્ષની કોઈ નોંધપાત્ર સંડોવણી નથી.'
તેમણે પૂછ્યું હતું કે, શું આ તથાકથિત ભ્રષ્ટાચારમાં કોઈ અમેરિકન સામેલ નથી? જ્યારે કથિત ગુનાહિત કૃત્યો અને તેમાં સામેલ પક્ષકારો ભારતમાં છે ત્યારે ન્યાય વિભાગ ગૌતમ અદાણી સામે આ કેસ શા માટે લાવ્યા છે? શું તમે ભારતમાં ન્યાયનો અમલ કરવા માંગો છો?
શું ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) આ કેસમાં સામેલ ભારતીય અધિકારીઓના પ્રત્યાર્પણની માંગ કરશે? જો ભારત પ્રત્યાર્પણની વિનંતીનું પાલન કરવાનો ઇનકાર કરે અને કેસ પર એકમાત્ર અધિકારક્ષેત્રનો દાવો કરે તો DOJની યોજના શું છે? શું DOJ અથવા બિડેન વહીવટીતંત્ર આ કેસને યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત જેવા મહત્ત્વપૂર્ણ મિત્ર વચ્ચેની આંતરરાષ્ટ્રીય ઘટના બનાવવા માંગે છે?