Home / World : US Embassy statement after sending back illegal Indians

ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું આવ્યું નિવેદન, કહ્યું ‘અમેરિકામાં ઘુસણખોરી કરશે તેમને…’

ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ અમેરિકન એમ્બેસીનું આવ્યું નિવેદન, કહ્યું ‘અમેરિકામાં ઘુસણખોરી કરશે તેમને…’

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર પ્રમુખ પદે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે અપ્રવાસી જાહેર કરાયેલા 104 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલી દીધા છે. અમેરિકન સેના દ્વારા ખાસ વિમાનમાં આ તમામ ભારતીયોને હથકડી બાંધીને ભારત લાવવામાં આવ્યા હતાં. વિમાનનું લેન્ડિંગ પંજાબના અમૃતસર એરપોર્ટ પર કરવામાં આવ્યું. અમેરિકાથી ભારતીય નાગરિકોને આ પ્રકારે પરત મોકલવા એ ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહી છે. ત્યારે અમેરિકન દૂતાવાસ તરફથી અમેરિકાથી પરત આવેલાં ભારતીયોને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકન દૂતાવાસે આપ્યો જવાબ

અમેરિકન દૂતાવાસે કહ્યું કે, 'જે પણ અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરશે, તેમને પરત મોકલવામાં આવશે. અમેરિકામાં ઇમિગ્રેશન કાયદો લાગુ કરવો રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે'. નોંધનીય છે કે, અમેરિકન દૂતાવાસના નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ગેરકાયદે અપ્રવાસીઓનું 'એલિયન્સ' તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'આ ગેરકાયદે એલિયન્સ (અપ્રવાસી)ને દેશમાંથી કાઢવા માટે ઇમિગ્રેશન કાયદાનો પ્રામાણિક રૂપે પાલન કરવું અમેરિકાની નીતિ છે'. 

અમેરિકાના સૈન્ય વિમાનથી ભારત આવનાર કુલ 104 ભારતીયમાંથી 79 પુરૂષ, 25 મહિલા અને 13 બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે 2 વાગ્યે આ વિમાન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. મળતી માહિતી મુજબ, અમેરિકાથી પરત આવેલાં ભારતીયોને મેક્સિકો-અમેરિકા સીમાથી પકડવામાં આવ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ભારતથી કાયદેસર રવાના થયા હતાં પરંતુ, ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. 

ટ્રમ્પનું કડક વલણ

અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી જ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે અપ્રવાસીઓ મામલે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ સતત આ વાત કહી રહ્યા છે કે, ગેરકાયદે અપ્રવાસીઓને ડિટેન્શન સેન્ટર ન મોકલીને બને તેટલું જલ્દી તેમના દેશ પરત મોકલવા ઈચ્છે છે. હું નથી ઈચ્છતો કે, આ ગેરકાયદે અપ્રવાસી આપણાં દેશમાં 20 વર્ષો સુધી કેમ્પમાં રહે. હું આ તમામને તેમના દેશ મોકલી દઈશ અને આ દેશોએ પોતાના નાગરિકોને પરત લેવા પડશે.

ખાસ વાત એ છે કે, અમેરિકામાં ગેરકાયદે અપ્રવાસીઓને તેમના દેશ પરત મોકલવા માટે ક્યારેય સૈન્ય વિમાનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આવું કરવું સિવિલ પ્લેન કરતાં અનેક ગણું મોંઘુ પડે છે. તેમ છતાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખર્ચની ચિંતા ન કરી. તેઓએ અમેરિકન સૈન્ય વિમાનોથી ગેરકાયદે અપ્રવાસીઓને પરત મોકલવું જ બરાબર સમજ્યું. અમેરિકન સૈન્ય વિમાન અત્યાર સુધી ભારત સહિત ગ્વાટેમાલા, પેરૂ, હૈંડર્સ અને ઇક્વાડોર સુધી ગેરસકાયદેસર અપ્રવાસીઓને છોડવા ગયા હતાં. 

સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યો સંદેશ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગેરકાયદે અપ્રવાસીઓને ગુનેગારની જેમ હાથ-પગ બાંધીને પરત મોકલીને ટ્રમ્પ દુનિયાને સંદેશ આપવા ઈચ્છે છે કે, ગેરકાયદે અપ્રવાસનના મામલે તે કડક વલણ અપનાવશે. હવે સૈન્ય વિમાનોથી ગેરકાયદે અપ્રવાસીઓની વાપસી બેશક ખર્ચાળ છે પરંતુ, તેનો પ્રભાવ પણ એટલો જ વધુ પડશે. આ પ્રકારે અમેરિકાનો કડક સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચશે કે, જો તેમના દેશમાં કોઈ ગેરકાયદે ઘુસણખોરી કરે છે તો તેની શું હાલત થશે.

જે આપણને મુર્ખ સમજતાં, તે ફરી સન્માન કરશેઃ ટ્રમ્પ

થોડા દિવસ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈતિહાસમાં આવું પહેલીવાર છે, જ્યારે અમેરિકન સરકાર આ ગેરકાયદે એલિયન્સને સેનાના વિમાનોમાં પરત મોકલી રહી છે. વર્ષોથી જે લોકો આપણેને મુર્ખ સમજીને હસી રહ્યાં હતાં, તે હવે ફરીથી આપણું સન્માન કરવાનું શરૂ કરી દેશે. 

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનો ગેરકાયદે અપ્રવાસીઓને આ પ્રકારે પરત મોકલવાનો નિર્ણય વિવાદોમાં છે. કોલંબિયા સહિત અનેક દેશોએ ટ્રમ્પના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. કોલંબિયાએ ટ્રમ્પ સરકારના આ નિર્ણયનો ઈનકાર કરી પોતાના નાગરિકોને પરત લાવવા માટે પોતાના સિવિલ વિમાનને મોકલ્યા છે. કોલંબિયાએ સ્પષ્ટ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે, અમેરિકન સૈન્ય વિમાનથી અમારા નાગરિકો પરત આવે. 

ભારતીયોની અમેરિકાથી આ પ્રકારે વાપસીને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવથી લઈને શશિ થરૂર સુધી અનેક નેતાઓએ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

 

 

 

 

 


Icon