અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકન અધિકારીઓએ વિદ્યાર્થીને ડિપોર્ટ કરતા પહેલા ઘૂંટણથી તેની ગરદન દબાવી, છી ફર્શ પર ઊંધો સુવડાવી હાથકડી લગાવી ગુનેગાર જેવો વ્યવહાર કર્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેના જોનારા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભારત સરકારને આવા કેસોમાં ધ્યાન આપવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક કુણાલ જૈને વિદ્યાર્થી સાથે થયેલા દુર્વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે ભારતીય દૂતાવાસને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે વીડિયો શેર કરીને લખ્યું છે કે, વિદ્યાર્થી રડતો રહ્યો પરંતુ અધિકારીઓ તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરતા રહ્યા. તેમણે આ ઘટનાને અમાનવીય ગણાવી છે.
રોજના 3થી 4 લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે
તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાના અનેક મામલા સામે આવ્યા છે. તેનું કારણ એ છે કે, ડિપોર્ટ લોકો પોતાના પ્રવાસનું કારણ જણાવી શક્યા નથી. અમેરિકન અધિકારીઓ ડિપોર્ટ કરાયેલા લોકોને ગુનેગારોની જેમ પરત મોકલી રહ્યા છે. કેટલાક દિવસથી દરરોજ આવા ત્રણથી ચાર મામલ સામે આવ્યા છે.