
અમેરિકામાં પાંચમી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પર તમામ દેશોની નજર છે. આ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે ખ્રિસ્તીઓને કહ્યું છે કે, 'જો પાંચમી નવેમ્બરમાં મને મત આપશો તો તમારે ફરીથી મતદાન કરવાની જરૂર નહીં પડે.'
ડોનાલ્ડ ટ્રમ્પની ખ્રિસ્તીઓને અપીલ
ફ્લોરિડામાં કન્ઝર્વેટિવ ગ્રુપ ટર્નિંગ પોઈન્ટ એક્શન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ખ્રિસ્તીઓએ મોટી સંખ્યામાં બહાર આવવું જોઈએ અને મતદાન કરવું જોઈએ. આ વખતે મને મત આપશો પછી તમારે મત આપવાની જરૂર નહીં રહે. ચાર વર્ષમાં બધું ઠીક થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિસેમ્બરમાં એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો હું અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતીશ, તો હું સરમુખત્યાર બનીશ. પરંતુ માત્ર એક દિવસ માટે કારણે કે, મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ બંધ કરી શકુ અને તેલ ડ્રિલિંગનો વિસ્તાર કરી શકુ. જો કે, આ નિવેદન પર વિવાદ વધતાં ટ્રમ્પે તેને માત્ર મજાક ગણાવી હતી.
કમલા હેરિસે પ્રમુખપદની ઉમેદવારીની જાહેરાત કરી
ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે 26મી જુલાઈએ સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. આ સાથે હેરિસે ડેમોક્રેટિક પાર્ટીની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
16 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ મતદારો અમેરિકાના 60માં પ્રમુખની પસંદગી કરશે. થોડા દિવસ પહેલાં જ પ્રમુખ જો બાયડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કર્યું હતું, ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ હેરિસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.